Ahmedabad News: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, 'સરદાર @ 150' અભિયાન હેઠળ અમદાવાદમાં આજે 16મી નવેમ્બરથી એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે યુનિટી માર્ચનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મંત્રી જીતુ વાઘાણીની આગેવાનીમાં આ યાત્રાનું આયોજન થયું હતું.
વિરાટનગરથી યુનિટી માર્ચનો શુભારંભ
આજે યુનિટી માર્ચનો પ્રારંભ અમદાવાદના નિકોલ વિધાનસભા હેઠળ આવતા વિરાટનગર વોર્ડના ફુવારા સર્કલ પાસેથી થયો હતો. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર પ્રતિભા જૈન સહિત પાટીદાર નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ઠક્કરબાપા નગર રોડ પરના જીવણવાડી સર્કલ પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી સુતરની આંટી પહેરાવી હતી. જગદીશ વિશ્વકર્માએ વિરાટનગર ફુવારા સર્કલથી નિકોલ સ્વામિનારાયણ મંદિર સુધી લગભગ બે કિલોમીટર જેટલી પદયાત્રા પૂર્ણ કરી હતી.
600 મીટરનો રાષ્ટ્રધ્વજ બન્યો આકર્ષણનું કેન્દ્ર
એકતા માર્ચને વધુ ભવ્ય અને આકર્ષક બનાવવા માટે તેમાં કેટલાક વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા. યાત્રામાં સરદાર પટેલના જીવન અને યોગદાનને દર્શાવતો ટેબ્લો અને 600 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ માર્ચમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલના શિક્ષકો, પોલીસકર્મીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા, જે રાષ્ટ્રભાવનાની પ્રતીતિ કરાવતા હતા.
સાબરમતી વિધાનસભામાં પણ યાત્રા
દિવસ દરમિયાન નિકોલની યુનિટી માર્ચ બાદ, સાંજે સાબરમતી વિધાનસભા મત વિસ્તારમાં પણ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રા રાણીપના સરદાર ચોકથી શરૂ થઈને સરદારબાગ ન્યુ રાણીપ ખાતે પૂર્ણ થશે. સાબરમતી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. હર્ષદ પટેલની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાશે. આ યુનિટી માર્ચનું આયોજન અમદાવાદની તમામ વિધાનસભામાં દરરોજ કરવામાં આવશે, જે સરદાર પટેલની જન્મજયંતિના સંદેશને લોકો સુધી પહોંચાડવાની ભાજપની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
