UpdatedIST

ખેડૂતો માટે માઠા સમાચારઃ પશ્ચિમી વિક્ષોપની અસરથી ફેબ્રુઆરીમાં પણ આવશે હવામાનમાં પલટો; આ જિલ્લાઓ પર તોળાતું માવઠાનું સંકટ

20 ફેબ્રુઆરી પછી ધીમે-ધીમે ઠંડી ઘટવા લાગશે અને હવામાન ઉનાળું પાકને સાનુકુળ બનતું જશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 01 Feb 2026 12:15 AM (IST)Updated: Sun 01 Feb 2026 12:15 AM (IST)
ambalal-patel-weather-forecast-gujarat-weather-set-to-change-due-to-frequent-western-disturbances-in-february-683291
HIGHLIGHTS
  • જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ખેડૂતોને ખાસ સૂચના

Ambalal Patel Weather Forecast: ઉત્તર ગુજરાતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાના પગલે બર્ફિલા પવનો ફૂંકાતા ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતુ. જો કે છેલ્લા એકાદ-બે દિવસથી જોઈએ તો, લઘુત્તમ તાપમાન ઊંચુ આવતા ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે.

જ્યારે શનિવારના રોજ અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને હમણાં વરસાદ પડશે તેવું લાગવા માંડ્યું હતુ. જેના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી કરવામાં આવી છે.

ફેબ્રુઆરી મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષોપની શ્રેણી શરૂ થશે
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આજથી શરૂ થતાં ફેબ્રુઆરી મહિનામાં પણ એક પછી એક પશ્ચિમી વિક્ષોપ આવતા જ રહેવાના છે. જેની અસરના કારણે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવતો રહેશે.

પશ્ચિમી વિક્ષોપના કારણે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ અને અમરેલી જેવા ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. આ દરમિયાન કોઈ-કોઈ ભાગોમાં માવઠા રૂપી છાંટા પડવાની પણ શક્યતા રહેશે.

આ પશ્ચિમી વિક્ષોપની અસર ખાસ કરીને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના ભાગો જેમ કે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરાના ભાગો સુધી થઈ શકે છે. આ ચાર જિલ્લાઓમાં ક્યાંક હળવો કમોસમી વરસાદ વરસદી શકે છે.

આી જ રીતે ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જેવા જિલ્લાઓના હવામાનમાં પણ પલટો આવી શકે છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા વરસી શકે છે.

ખેડૂતો મિત્રોને અંબાલાલ પટેલની ખાસ સલાહ
હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખેડૂત મિત્રોએ પાક સંરક્ષણના પગલા લેવા જોઈએ. આ વખતે પાછોતરા વરસાદના કારણે ઘણાં ખેડૂતોને પાક નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો. હાલ રવિ પાકો વાવેલા છે, ત્યારે કમોસમી વરસાદથી તેમાં નુકસાન થવાની શક્યતા રહે છે.

ક્યારથી ઠંડી ઘટવા લાગશે અને ગરમી વધશે
હાલ લઘુત્તમ તાપમાન વધવા છતાં પવનોની ગતિના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. પશ્ચિમી વિક્ષોપ પસાર થઈ જતાં આગામી 20 ફેબ્રુઆરી બાદ ઠંડી ઘટશે અને ઉનાળું પાક માટે હવામાન સાનુકુળ થતુ જશે. જો કે આ વર્ષે 26 એપ્રિલ બાદ ઉનાળો જામશે, જ્યારે આગામી 10મી મે પછી આકરી ગરમી પડવાની શક્યતા રહેશે.