Ambalal Patel Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ચોમાસાની સ્થિતિ કેવી રહેશે તેને લઈને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી મજબૂત વરસાદી સિસ્ટમના કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં તબક્કાવાર વરસાદી રાઉન્ડ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી તાપી નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે. અંબાલાલ પટેલે ખેડૂતો માટે ખાસ સલાહ આપતાં જણાવાયું છે કે આશ્લેષા નક્ષત્ર દરમિયાન વાતાવરણ અનુકૂળ ન હોવાથી મોલો-મશીનો ઉપદ્રવ વધી શકે છે, જેથી લીલા પાકમાં કામગીરી ટાળવી.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી નવી આગાહી મુજબ, આગામી 5 દિવસ બાદ એટલે કે 8 ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેના કારણે 8 થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે.
8 ઓગસ્ટથી સક્રિય થશે નવી સિસ્ટમ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાનારી આ નવી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે. 8 ઓગસ્ટથી શરૂ થનારો આ વરસાદી રાઉન્ડ 12 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડશે.ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં 3 થી 4 ઈંચ જેટલો સારો વરસાદ નોંધાઈ શકે છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવા જણાવાયું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડે તેવી સંભાવના છે.
જોકે, 17 ઓગસ્ટથી શરૂ થતું મઘા નક્ષત્ર પાક માટે અમૃત સમાન સાબિત થશે, પરંતુ આ સમયે ખેતરોમાં ઝેરી જીવજંતુઓથી સાવધાન રહેવું જરૂરી છે. આ ઉપરાંત, સાનુકૂળ IODની અસરથી સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં (11 સપ્ટેમ્બરની આસપાસ) ભાદરવા મહિના દરમિયાન પણ ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત અંબાજીના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદી રાઉન્ડ આવી શકે છે.
ક્યાં કેવો રહેશે વરસાદ?
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાંને કારણે તાપી નદી સહિતના સ્થાનિક જળાશયોમાં પાણીની આવક વધશે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની સ્થિતિ
સૌરાષ્ટ્ર અને કચ્છ: આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. અહીં સતત કે ધોધમાર વરસાદની શક્યતા ઓછી વર્તાઈ રહી છે.
દક્ષિણ ગુજરાત: દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે.
આશ્લેષા અને મઘા નક્ષત્રની ખેતી પર અસર
હવામાન આગાહીમાં નક્ષત્ર આધારિત ખેતીકામ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે-
આશ્લેષા નક્ષત્ર: અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ નક્ષત્ર દરમિયાન પડતો વરસાદ અને ભેજવાળું વાતાવરણ ખેતીકામ માટે બહુ અનુકૂળ ગણાતું નથી. આ સમયે જો લીલા પાકમાં નિંદામણ કે ખેડ કરવામાં આવે તો પાક પીળો પડી જવાની અને મોલો-મશી કે અન્ય રોગ-જીવાતનો ઉપદ્રવ વધવાની પૂરેપૂરી શક્યતા રહે છે.
મઘા નક્ષત્ર (17 ઓગસ્ટથી શરૂ): 17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર બેસશે. અંબાલાલ પટેલના મતે મઘા નક્ષત્રનું પાણી પાક માટે ખૂબ જ ગુણકારી અને અમૃત સમાન માનવામાં આવે છે. જોકે, આ દિવસોમાં ખેતરોમાં દૂષિત પાણી અને ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધતો હોવાથી ખેડૂતોને ખેતરમાં કામ કરતી વખતે ખાસ સાવચેતી રાખવા જણાવાયું છે.
સપ્ટેમ્બરમાં ભાદરવા મહિનાનો વરસાદી રાઉન્ડ
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, ઇન્ડિયન ઓશિયન ડાયપોલ (IOD) સાનુકૂળ હોવાને કારણે ઓગસ્ટની સાથે સાથે સપ્ટેમ્બર મહિનામાં પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે.
અંબાજી અને પહાડી વિસ્તારો: ભાદરવા મહિનાની શરૂઆતમાં અંબાજી અને આસપાસના પહાડી પ્રદેશોમાં સારો વરસાદ થશે.
11 સપ્ટેમ્બરની આસપાસ: સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
