અમદાવાદના આ વિસ્તારોમાં ગાડી પાર્ક કરતા પહેલાં 100 વાર વિચારજો! AMCનું અચાનક બુલડોઝર અને સઘન ચેકિંગ શરૂ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોપલ, વસ્ત્રાપુર, હાઈકોર્ટ અને પકવાન રોડ પર ગેરકાયદે પાર્કિંગ અને દબાણો સામે સઘન કાર્યવાહી કરાઈ. 18 વાહનો લોક કરી, લારી-ગલ્લા જપ્ત કર્યા અને ₹15,000નો દંડ વસૂલાયો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 07 Aug 2026 11:08 PM (IST)Updated: Fri, 07 Aug 2026 11:08 PM (IST)
amc-cracks-down-on-illegal-parking-encroachments-in-ahmedabad

AMC Action in Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણો અને જાહેર માર્ગો પરના અનધિકૃત પાર્કિંગ સામે લાલ આંખ કરવામાં આવી છે. મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર સુચારુ રહે અને નાગરિકોને ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે પકવાન, વસ્ત્રાપુર અને બોપલ સહિતના વિસ્તારોમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

કયા કયા વિસ્તારોમાં હાથ ધરાઈ કડક કામગીરી?

ટ્રાફિકને અવરોધતા દબાણો દૂર કરવા માટે AMCની ટીમે અતિ વ્યસ્ત માર્ગો પર ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં-

  • ડમરૂ સર્કલથી કારગીલ પેટ્રોલ પંપ
  • હાઇકોર્ટ અને ગોતા ચાર રસ્તા
  • પકવાનથી જજીસ બંગલો અને માનસી સર્કલ
  • વસ્ત્રાપુર તળાવ આસપાસનો વિસ્તાર
  • બોપલ BRTS સુધીનો સમગ્ર માર્ગ

18 વાહનો લોક કરાયા, લારી-ગલ્લાં જપ્ત કરી ₹15,000નો દંડ વસૂલાયો

જાહેર રસ્તા પર ગેરકાયદે પાર્ક કરાયેલા 18 વાહનોને લોક કરવામાં આવ્યા હતા અને વાહનચાલકો પાસેથી રૂ. 15,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ સાથે જ વાહનચાલકોને બિલ્ડિંગની નિયત પાર્કિંગ જગ્યાનો જ ઉપયોગ કરવા કડક સૂચના અપાઈ હતી.

પ્રથમ તબક્કામાં જપ્ત કરાયેલી સામગ્રી

  • 5 છતવાળી અને 2 સાદી લારીઓ/કાઉન્ટર
  • 15 ખુરશીઓ, 3 પ્લાસ્ટિકના સ્ટૂલ અને 2 ટેબલ
  • 4 જાહેરાત બોર્ડ, 9 બેનર-પતાકા અને 69 પરચૂરણ સામાન
  • ડમરૂ સર્કલ પાસે ફરી કાર્યવાહી અને ૫૦૦ મીટર રસ્તો ખુલ્લો કરાયો

ડમરૂ સર્કલથી કારગીલ પેટ્રોલ પંપ વચ્ચે હાથ ધરાયેલી બીજી કાર્યવાહીમાં 3 છતવાળી લારીઓ, 4 સાદી લારીઓ, 11 સ્ટૂલ, 4 ટેબલ, 3 વજનકાંટા, 7 બેટરી અને 11 ટૂલ્સ સહિત 68 નંગ સામાન જપ્ત કરીને ગોડાઉનમાં જમા કરાવાયો હતો.

આ ઉપરાંત, થલતેજ/ગોતા વિસ્તારની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 2228 હેઠળ વિવાંઝાથી એસ.પી. રિંગ રોડ તરફ જતાં 30 મીટર પહોળા માર્ગ પરથી ઝાડી-ઝાંખરા દૂર કરી આશરે 500 મીટર લાંબો રસ્તો વાહનવ્યવહાર માટે સાફ કરાયો હતો.

AMC એસ્ટેટ વિભાગની કડક ચેતવણી

AMCના ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પણ ફૂટપાથ, ટી.પી. રોડ, મ્યુનિસિપલ પ્લોટ અને ગેરકાયદે બાંધકામો પરના દબાણો હટાવવાની આ કાર્યવાહી વધુ કડક રીતે ચાલુ રાખવામાં આવશે.