UpdatedIST

ગુજરાતમાં પ્રથમવાર ડી.એમ.ક્લિનિકલ ઇમ્યુનોલોજી એન્ડ રુમેટોલોજી કોર્સ શરુ, AMC સંચાલિત NHLને બે નવા કોર્સ શરૂ કરવા મંજૂરી

બંને નવા સુપર-સ્પેશિયાલિટી વિભાગો SVP Hospital ખાતે કાર્યરત રહેશે. એસ.વી.પી. હોસ્પિટલ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન સારવાર સુવિધાઓ અને નિષ્ણાત તબીબોની ટીમ સાથે સજ્જ છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 22 Feb 2026 06:45 PM (IST)Updated: Sun 22 Feb 2026 06:45 PM (IST)
amc-run-nhl-medical-college-gets-approval-for-two-new-super-specialty-courses-696725

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ કાર્યરત AMC મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત NHLમ્યુનિસિપલ મેડિકલ કોલેજને એક ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે કોલેજમાં બે નવા સુપર-સ્પેશિયાલિટી કોર્સ શરૂ કરવા સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.

નેશનલ મેડિકલ કમિશનના તા. 20-02-2026ના જાહેરનામા મુજબ કોલેજને (1) ડી.એમ. ક્લિનિકલ ઇમ્યુનોલોજી એન્ડ રુમેટોલોજી કોર્સ માટે 2 બેઠકો અને (2) એમ.સી.એચ. યુરોલોજી કોર્સ માટે 2 બેઠકો એમ કુલ 4 નવી સુપર-સ્પેશિયાલિટી બેઠકોની મંજૂરી આપવામાં આવી છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ એવી મેડિકલ કોલેજ બની છે, જ્યાં 'ડી.એમ. ક્લિનિકલ ઇમ્યુનોલોજી એન્ડ રુમેટોલોજી'નો સુપર-સ્પેશિયાલિટી કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે.

આ બંને નવા સુપર-સ્પેશિયાલિટી વિભાગો SVP Hospital ખાતે કાર્યરત રહેશે. એસ.વી.પી. હોસ્પિટલ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન સારવાર સુવિધાઓ અને નિષ્ણાત તબીબોની ટીમ સાથે સજ્જ છે. નવા કોર્સ ઉમેરાતા હવે દર્દીઓને રુમેટિક અને ઓટોઈમ્યુન બીમારીઓ (સાંધા અને રોગપ્રતિકારક શક્તિ સંબંધિત જટિલ રોગો) તેમજ ગંભીર યુરોલોજીકલ (કિડની, મૂત્રાશય, મૂત્રમાર્ગ અને પ્રોસ્ટેટ સંબંધિત) બીમારીઓ માટે અદ્યતન અને સચોટ સારવાર એક જ સ્થળે ઉપલબ્ધ બનશે.

આ મંજૂરીથી રાજ્યમાં ઉચ્ચ લાયકાત ધરાવતા સુપર-સ્પેશિયાલિસ્ટ તબીબોની સંખ્યામાં વધારો થશે. પરિણામે ગંભીર અને જટિલ રોગોથી પીડાતા દર્દીઓને સારવાર માટે અન્ય રાજ્યોમાં જવાની જરૂરિયાત ઘટશે અને સરકારી આરોગ્ય માળખું વધુ મજબૂત બનશે.