Ahmedabad: CAના વિદ્યાર્થીને શેરબજારમાં રોકાણ કરાવી ઊંચા નફાની લાલચ આપી IPOના રૂપિયા પડાવ્યા, લાખોની થઈ સાયબર ઠગાઈ

ગુગલ એડ્સ દ્વારા વોટ્સએપ ગૃપમાં જોડીને, ઠગ ટોળકીએ ઊંચા વળતરની લાલચ આપીને તેમની પાસેથી કુલ રૂ. ૮,૩૩,૨૫૦ ની છેતરપિંડી કરી છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 16 Nov 2025 01:03 PM (IST)Updated: Sun 16 Nov 2025 01:03 PM (IST)
ca-student-in-ahmedabad-duped-of-lakhs-after-scammers-lured-him-into-fake-high-profit-ipo-investments-639072
HIGHLIGHTS
  • ઠગોએ 'ShoonaxHNI' નામની એડ દ્વારા ફરિયાદીને 'Shoonya 813 Wealth Circle' નામના વોટ્સએપ ગૃપમાં જોડ્યા.
  • આ સફળતાથી વિશ્વાસ બેસતાં, ઠગોએ 'ShoonaxHNI' નામની પોતાની નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી.

Ahmedabad News: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)નો અભ્યાસ કરતા ૨૦ વર્ષીય યુવાન મોહમ્મદ ઝૈદ સલીમભાઈ મેમણ સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. ગુગલ એડ્સ દ્વારા વોટ્સએપ ગૃપમાં જોડીને, ઠગ ટોળકીએ ઊંચા વળતરની લાલચ આપીને તેમની પાસેથી કુલ રૂ. ૮,૩૩,૨૫૦ ની છેતરપિંડી કરી છે.

પહેલા નફો આપી વિશ્વાસ કેળવ્યો

ઠગોએ 'ShoonaxHNI' નામની એડ દ્વારા ફરિયાદીને 'Shoonya 813 Wealth Circle' નામના વોટ્સએપ ગૃપમાં જોડ્યા. 'સર્વજીત સિંઘ વિર્ક' નામના વ્યક્તિએ આપેલી ટિપ્સના આધારે ફરિયાદીએ પોતાના Grow ડીમેટ એકાઉન્ટમાં રોકાણ કર્યું અને એક અઠવાડિયામાં ૭ ટકા જેટલું વળતર મેળવ્યું. આ સફળતાથી વિશ્વાસ બેસતાં, ઠગોએ 'ShoonaxHNI' નામની પોતાની નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી. આ એપ્લિકેશનમાં પણ રૂ. ૧૦,૦૦૦નું રોકાણ કરીને, તેમને ૭.૫ ટકા નફો મેળવીને રકમ સફળતાપૂર્વક વિડ્રો કરાવી આપી.

IPOના નામે લાખોની છેતરપિંડી

નાના રોકાણમાં સફળતા મળ્યા બાદ, ફરિયાદીને 'આદિત્ય ઈન્ફોટેક' કંપનીના IPOમાં ડિસ્કાઉન્ટ પ્રાઇઝ પર રોકાણ કરવા માટે લાલચ આપવામાં આવી. તા. ૩૦ જુલાઈથી ૦૭ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન ફરિયાદીએ મિત્રો પાસેથી ઉછીના લઈને કુલ રૂ. ૮,૩૩,૨૫૦ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા. રકમ ટ્રાન્સફર થયા બાદ, એપ્લિકેશન પર રૂ. ૨૭,૦૦,૦૦૦ ના શેર ક્રેડિટ થયેલા બતાવ્યા, પરંતુ જ્યારે ફરિયાદીએ આ રકમ વિડ્રો કરવાની વિનંતી કરી, ત્યારે એક પણ રૂપિયો જમા થયો નહીં.

આખરે, કસ્ટમર સપોર્ટ અને સર્વજીત સિંઘ વિર્ક બન્નેએ ફરિયાદીને વોટ્સએપ પર બ્લોક કરી દીધા. પોતાની સાથે ફ્રોડ થયાનું જણાતા, મોહમ્મદ ઝૈદે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઈમ પોલીસે વોટ્સએપ ચેટ્સને પુરાવા તરીકે લઈને વધુ તપાસ શરૂ કરી છે.