અમદાવાદમાં શ્વાનનો આતંક: રોજના 211 કેસ સાથે એક જ વર્ષમાં 30 ટકાનો ધરખમ વધારો; ખસીકરણ પાછળ કરોડોનો ધુમાડો છતાં સ્થિતિ ગંભીર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેટા મુજબ, વર્ષ 2025માં શહેરમાં કુલ 77 હજારથી વધુ કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 20 May 2026 12:52 PM (IST)Updated: Wed, 20 May 2026 12:52 PM (IST)
dog-terror-in-ahmedabad-211-cases-per-day

Dog Attack Cases Spike In Ahmedabad: અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા શ્વાનોના ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં, કૂતરા કરડવાના બનાવોમાં ઘટાડો થવાને બદલે ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. તાજેતરના ડેટા અનુસાર, અમદાવાદમાં કૂતરા કરડવાના બનાવોમાં એક જ વર્ષમાં 30 ટકાનો વધારો નોંધાયો છે, જે મુજબ શહેરમાં સરેરાશ રોજના 211 કેસ નોંધાઈ રહ્યા છે.

આંકડાકીય વિગતો: પાંચ વર્ષમાં 3.14 લાખ કેસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેટા મુજબ, વર્ષ 2025માં શહેરમાં કુલ 77 હજારથી વધુ કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા. છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો અમદાવાદમાં કુલ 3.14 લાખ કેસ નોંધાયા છે. આ આંકડાઓ સાથે ગુજરાતનો સમાવેશ કૂતરા કરડવાના સૌથી વધુ કેસ નોંધાતા દેશના ટોચના પાંચ રાજ્યોમાં થયો છે.

અમદાવાદમાં પ્રાણી કરડવાના વાર્ષિક કેસ:

વર્ષ કૂતરાં બિલાડી વાંદરા
2020 51,244 663 226
2021 50,668 683 254
2022 58,125 818 243
2023 67,790 1,628 0
2024 60,663 2,266 366
2025 77,016 4,770 673

બિલાડી કરડવાના કેસમાં 155%નો જંગી વધારો

માત્ર શ્વાન જ નહીં, પરંતુ શહેરમાં બિલાડી અને વાંદરા કરડવાના બનાવોમાં પણ તોતિંગ વધારો થયો છે. 2024ની સરખામણીએ 2025માં બિલાડી કરડવાના કેસમાં 155.7%નો વધારો નોંધાયો છે. ૨૦૨૬ના પ્રથમ ત્રણ મહિનામાં જ 24,273 કૂતરા કરડવાના અને 1,675 બિલાડી કરડવાના કેસ નોંધાઈ ચૂક્યા છે. બોપલ, ઘુમા, કઠવાડા અને ચિલોડા જેવા નવા વિસ્તારોનો શહેરમાં સમાવેશ થવાથી આ આંકડામાં વધારો થયો હોવાનું મનાય છે.

હડકવા (Rabies) વિશે જાણવા જેવું

જો શ્વાન કે અન્ય પ્રાણી કરડ્યા બાદ સમયસર ઈન્જેક્શન લેવામાં ન આવે, તો તે જીવલેણ હડકવામાં પરિણમી શકે છે.

  • હડકવા શું છે?: તે વાયરસથી ફેલાતો ચેપી રોગ છે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. કૂતરા, બિલાડી, વાંદરા કે ચામાચીડિયા દ્વારા તે ફેલાઈ શકે છે.
  • લક્ષણો: તાવ, માથાનો દુખાવો, કરડેલી જગ્યાએ દુખાવો, પાણીથી ડર લાગવો (Hydrophobia), ગળવામાં તકલીફ, વધુ લાળ આવવી અને અંતે લકવો કે મૃત્યુ.
  • પ્રાણી કરડે તો શું કરવું?: ઘા ને તરત જ 15 મિનિટ સુધી સાબુ-પાણીથી ધોવો, તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરી રેબીઝ વેક્સિન અથવા રેબીઝ ઈમ્યુનોગ્લોબ્યુલિન લેવું જોઈએ.

ખસીકરણ અભિયાન નિષ્ફળ?

અમદાવાદ કોર્પોરેશને છેલ્લા પાંચ વર્ષમાં શ્વાનોના ખસીકરણ પાછળ આશરે ₹13.46 કરોડનો ખર્ચ કર્યો છે. આટલો મોટો ખર્ચ કરવા છતાં કૂતરાઓની સંખ્યા કે તેમના કરડવાના બનાવોમાં કોઈ કાપ આવ્યો નથી. 2010-11માં કૂતરા કરડવાના 33,027 કેસ હતા જે 2025માં વધીને 77,016 થઈ ગયા છે, જે તંત્રની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરે છે. શહેરીજનોમાં અત્યારે ભયનો માહોલ છે અને લોકો રખડતા શ્વાનોના ત્રાસમાંથી કાયમી મુક્તિની માંગ કરી રહ્યા છે.