Ahmedabad Election 2026: અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અમદાવાદના સૈજપુર વોર્ડમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઝંઝાવાતી પ્રચાર કરતા એક જનસભા ગજવી હતી. પોતાના સંબોધન દરમિયાન તેમણે વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસના શાસનને ગણાવ્યું 'દુશાસન'
અમદાવાદના સૈજપુર વોર્ડમાં આયોજિત સભા દરમિયાનDyCM હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારમાં શાસન નહીં પરંતુ 'દુશાસન' હતું. તેમણે દેશના વડાપ્રધાનના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, "અમે તો ભાગ્યશાળી છીએ કે નરેન્દ્રભાઈની સરકારમાં મોટા થયા છીએ".
નિર્ભય રાત અને ધબકતો વેપાર, આ છે ભાજપ સરકારમાં સુરક્ષિત ગુજરાતનો સ્વીકાર! pic.twitter.com/tE2FS9Ky2R
— Harsh Sanghavi (@sanghaviharsh) April 14, 2026
"ગુજરાતમાં ગરબા નહીં રમે તો શું પાકિસ્તાનમાં રમશે?"
નવરાત્રી દરમિયાન આખી રાત ગરબા રમવાના નિર્ણય અંગે કોંગ્રેસના વિરોધને લઈને હર્ષ સંઘવીએ આકરો રોષ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે ગુજરાતના યુવાનો અને માં અંબાના ભક્તો માટે આખી રાત ગરબા રમવાની જાહેરાત કરવામાં આવી, ત્યારે આ કોંગ્રેસીઓએ દોડી-દોડીને તેનો વિરોધ કરવા હાઇકોર્ટમાં PIL (જાહેર હિતની અરજી) કરી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સભામાં હાજર જનતાને પૂછ્યું હતું કે, "માં અંબાના ગરબા આખી રાત ગુજરાતમાં ના રમી શકે તો શું પાકિસ્તાનમાં જઈને રમશે?". આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે આપણા ગુજરાતમાં ગરબા રમવા માટે આખી રાત છૂટ આપવી જ જોઈએ.
આ પણ વાંચો: Vadodara: ચૂંટણી પહેલા જ કોંગ્રેસની પેનલ વિખેરાઈ? અપક્ષ ઉમેદવાર સાથે ઉમેદવારો દેખાતા તર્ક-વિતર્ક
"આવનારા વર્ષોમાં પણ આ વ્યવસ્થા રહેશે ચાલુ"
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતમાં આખી રાત વટથી ગરબા રમાડ્યા છે અને હવે વર્ષોવર્ષ સુધી લોકો માટે હંમેશા આ જ પ્રકારની વ્યવસ્થા તૈયાર રાખવામાં આવશે. હર્ષ સંઘવીએ અંતમાં હુંકાર કરતા કહ્યું હતું કે હવે આ કોંગ્રેસીઓને જવાબ આપવાનો સમય આવી ગયો છે.
