આગામી ચોમાસાને લઈને આવ્યા સારા સમાચાર: કસ કાતરાના આધારે વેધર નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી

દેશી વિજ્ઞાન અને કસ કાતરાના નિરીક્ષણ આધારે વેધર નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આ વખતે શરૂઆતના તબક્કે જ ખૂબ જ મજબૂત અને ઘાટા કસ કાતરા જોવા મળી રહ્યા છે. જેથી આવનારું ચોમાસું સારું રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Mon, 23 Nov 2026 02:35 PM (IST)Updated: Mon, 23 Nov 2026 02:35 PM (IST)
forecast-by-weather-expert-paresh-goswami-regarding-the-upcoming-monsoon
વેધર નિષ્ણાત પરેશ ગોસ્વામી

Ahmedabad: આવનારા નવા ચોમાસાની રાહ જોઈ રહેલા રાજ્યના ખેડૂતો અને નાગરિકો માટે હવામાન સંબંધી રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશી વિજ્ઞાન અને કસ કાતરાના નિરીક્ષણ આધારે જાણીતા વેધર નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આ વખતે શરૂઆતના તબક્કે જ ખૂબ જ મજબૂત અને ઘાટા કસ કાતરા જોવા મળી રહ્યા છે. જેના આધારે આવનારું ચોમાસું ગયા વર્ષની સરખામણીએ ઘણું સારું રહે તેવી સકારાત્મક શક્યતાઓ સેવાઈ રહી છે.

કસ કાતરાનું દેશી ગણિત: 225 દિવસ બાદ દેખાય છે અસર

વેધર વિશ્લેષક પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, દેશી વિજ્ઞાન મુજબ કાર્તક મહિનાની એકમથી લઈને ફાગણ મહિનાની પૂનમ સુધી આકાશમાં જે કસ કાતરા થતા હોય છે, તેની અસર બરાબર 225 દિવસ પછી વરસાદના રૂપમાં જોવા મળતી હોય છે. જો આ કસ દરમિયાન ક્યાંય માવઠું કે અણધાર્યો વરસાદ પડી જાય તો તે કસ ફેલ ગણાય છે.

દિવાળી અને પડતર દિવસ પછી શરૂ થયેલા આ દિવસોમાં શરૂઆતના 10 થી 12 દિવસ દરમિયાન તથા 21 તારીખ સુધીમાં વિવિધ વિસ્તારોમાં ખૂબ જ સારા અને ઘાટા કસ જોવા મળ્યા છે. ગયા વર્ષે એક પણ વખત આ પ્રકારના મજબૂત કસ જોવા મળ્યા નહોતા, જ્યારે આ વર્ષે શરૂઆતથી જ વાતાવરણમાં સકારાત્મક કસના સંકેત મળી રહ્યા છે.

ગયા વર્ષના નબળા ચોમાસાના કારણો અને અલનીનોનો પ્રભાવ

ગત ચોમાસા અંગે વાત કરતા તેમણે સ્પષ્ટતા કરી હતી કે ગયા વર્ષે કસ કાતરા ખૂબ જ નબળા રહ્યા હતા. આ ઉપરાંત દેશી કેલેન્ડર મુજબ જેઠ મહિનામાં અધિક માસ (બે જેઠ મહિના) હતો, જેને દેશી વિજ્ઞાનમાં નબળા ચોમાસાનું કારણ ગણવામાં આવે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ગયા વર્ષે અલનીનો (El Nino) ની તીવ્ર અસર હતી, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસું મધ્યમ કે નબળું રહ્યું હતું. જોકે આશાસ્પદ બાબત એ છે કે આવનારું નવું ચોમાસું આવે ત્યાં સુધીમાં અલનીનોનો પ્રભાવ સંપૂર્ણપણે ઘટી (ડાઉન થઈ) જશે, જેથી નવા ચોમાસા પર અલનીનોની નકારાત્મક અસર પડે તેવી શક્યતા ઓછી છે.

કપાસ-મગફળીના ભાવ અને અન્ય હવામાન ફેક્ટર્સ

ખેતી પાકો અંગે ચર્ચા કરતા તેમણે નોંધ્યું હતું કે ગત વર્ષે કેટલાક વિસ્તારોમાં ઉત્પાદન સારું રહ્યું હતું અને છેલ્લા 5 વર્ષની સરખામણીએ મગફળી તથા કપાસના ભાવ એકંદરે સારા રહ્યા છે. છતાં પણ વધતી મોંઘવારીના કારણે ખેડૂતોને પૂરો લાભ મળ્યો નથી.

આગામી ચોમાસાનું આખરી ચિત્ર સ્પષ્ટ કરવા માટે કસ કાતરા ઉપરાંત અન્ય દેશી પર્યાવરણીય ફેક્ટરો જેવા કે:
હોળીનો પવન, અખાત્રીજનો પવન, ચૈત્રી દનૈયા. આ તમામ પરિબળોની સ્થિતિ પણ આગામી સમયમાં જોવી જરૂરી બનશે.

એપ્રિલ મહિનામાં જાહેર થશે ફાઇનલ વાર્ષિક આગાહી

પરેશ ગોસ્વામીએ ઉમેર્યું હતું કે અત્યારની આ ગણતરી કસ કાતરા આધારિત એક 'કાચું અનુમાન' છે. આ દર વર્ષની જેમ તેમનો વાર્ષિક હવામાન કાર્યક્રમ એપ્રિલ મહિનામાં જાહેર કરવામાં આવશે, જે આગામી ચોમાસા માટેનું આખરી અને ફાઇનલ અનુમાન રહેશે. છતાં અત્યારના પ્રારંભિક સંકેતો મુજબ આવનારું ચોમાસું નબળું નહીં રહે પરંતુ સારું રહેશે તેવી આશા રાખી શકાય છે.