યુવતીએ UK માં રહી પોરબંદરમાં રહેતા સાસરિયા સામે દહેજની ફરિયાદ નોંધાવી, હાઇકોર્ટે અરજી ફગાવી

ગુજરાત હાઈકોર્ટમાં પતિ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, ફરિયાદી પત્નીના લગ્ન 2014માં પોરબંદરમાં થયા હતા અને આઠ મહિના બાદ તે પતિ સાથે યુકે (UK) રહેવા ગઈ હતી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 05 Dec 2025 09:08 AM (IST)Updated: Fri 05 Dec 2025 09:08 AM (IST)
girl-living-in-uk-filed-a-dowry-complaint-against-her-in-laws-living-in-porbandar-high-court-rejected-application-649838

Gujarat High Court: પોરબંદરના મહિલા પોલીસ મથકમાં પતિ અને સાસરિયા સામે નોંધાયેલી ઘરેલું હિંસા અને દહેજ પ્રતિબંધ ધારા હેઠળની ફરિયાદ ગુજરાત હાઇકોર્ટે રદ કરી છે. આ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટ સમક્ષ મહત્ત્વના તથ્યો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં વિદેશની કોર્ટના છૂટાછેડા અને યુકેની નાગરિકતા મેળવવા માટે કરાયેલા ખાસ કરારની ભૂમિકા મુખ્ય હતી.

'સિટિઝનશિપ સુધી સાથે રહેવાનો' ખાસ કરાર

ગુજરાત હાઈકોર્ટમાં પતિ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, ફરિયાદી પત્નીના લગ્ન 2014માં પોરબંદરમાં થયા હતા અને આઠ મહિના બાદ તે પતિ સાથે યુકે (UK) રહેવા ગઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે વિખવાદ સર્જાયા હતા.

રજૂઆત મુજબ, વર્ષ 2017માં બંને પરિવારોની સહમતિથી એક ખાસ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, પત્નીને યુકેનું નાગરિકત્વ ન મળે ત્યાં સુધી જ બંને સાથે રહેશે. આ કરાર પર બંને તરફના વાલીઓએ સહી પણ કરી હતી.

લંડન કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા

ત્યારબાદ વર્ષ ૨૦૨૦માં યુકેની કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરવામાં આવી હતી, જેને યુકેની કોર્ટે વર્ષ ૨૦૨૪માં ગ્રાહ્ય રાખીને ડિવોર્સ મંજૂર કર્યા છે. પતિ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, પતિ-પત્ની યુકેમાં અલગ રહેતા હોવા છતાં અને છૂટાછેડા મંજૂર થયા હોવા છતાં, પત્નીના પિતા (જેઓ પોલીસ અધિકારી છે) પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સાસરિયાઓ ઉપર દબાણ ઊભું કરવા માંગે છે.

વળી, ફરિયાદી અને તેના પતિ યુકેમાં રહેતા હતા, જ્યારે સાસરિયાઓ ભારતમાં રહેતા હતા. અરજદાર (પતિ) તરફથી એવો પણ ડર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, ફરિયાદી અને તેના પિતાને તેમના યુકેના વિઝા રદ થવાનો ડર હોવાથી આ ફરિયાદ કરવામાં આવી છે.

તમામ તથ્યો અને પુરાવાઓ ધ્યાનમાં લીધા બાદ ગુજરાત હાઇકોર્ટે અરજદારની અરજી ગ્રાહ્ય રાખી હતી અને સાસરિયાઓ સામે પોરબંદરના મહિલા પોલીસ મથકે નોંધાયેલી ઘરેલું હિંસા અને દહેજની ફરિયાદ રદ્દ કરવાનો ચુકાદો આપ્યો હતો.