Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ફરી એકવાર મોટી કાર્યવાહી કરીને સોનાની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. અબુધાબીથી આવેલા એક મુસાફર પાસેથી રૂ. 21.89 લાખની કિંમતનું 24 કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ આરોપીએ પેટના ભાગે કેપ્સ્યુલના સ્વરૂપમાં સંતાડ્યું હતું. કસ્ટમની એર ઇન્ટેલિજન્સ યુનિટે (AIU) ચોક્કસ બાતમીના આધારે આ સફળ કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ, કસ્ટમ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટે અબુધાબીથી અમદાવાદ આવેલી એક ફ્લાઇટના મુસાફર મિસ્ટર શાહરુખ પર બાજનજર રાખી હતી. શંકાસ્પદ હિલચાલ જણાતા, મુસાફરને અટકાવીને તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં તેણે સોનું ગળીને લાવ્યા હોવાનું કબૂલ્યું હતું, જે બાદ તેને વધુ મેડિકલ તપાસ અને સોનું બહાર કાઢવા માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની દેખરેખ હેઠળ કરવામાં આવેલી મેડિકલ તપાસ દરમિયાન, મુસાફરના શરીરમાંથી ત્રણ પીળા રંગની નળાકાર કેપ્સ્યુલ્સ અને એક સ્ટીલ જેવો ગોળો મળી આવ્યો હતો. આ તમામ વસ્તુઓમાંથી કુલ 135.200 ગ્રામ વજનનું 24 કેરેટ શુદ્ધ સોનું મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂ. 21.89 લાખ આંકવામાં આવી છે.
કસ્ટમ વિભાગે આ જપ્ત કરેલા સોના સાથે મુસાફર મિસ્ટર શાહરુખની ધરપકડ કરી છે. આ પ્રકારે દાણચોરી કરવાનો પ્રયાસ કરતા મુસાફરો સામે કસ્ટમ વિભાગ સતત સક્રિય છે અને અમદાવાદ એરપોર્ટ પર અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ ઝડપાઈ ચૂક્યા છે. કસ્ટમ દ્વારા સોનાની દાણચોરીના આ રેકેટના મૂળ સુધી પહોંચવા અને તેમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
