Gujarat ATS News: ગુજરાત એટીએસ દ્વારા જાસૂસી કાંડમાં મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના એજેન્ટોને માહિતી અને આર્થિક મદદ કરી રહેલા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને લોકોને દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટોને આપતા હતા.બન્નેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પાકિસ્તાન માટે જાસૂસી કરતા ભૂતપૂર્વ સુબેદાર સહિત બે ઝડપાયા
ગુજરાત ATSએ ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરેલા એક મોટા ઓપરેશનમાં જાસૂસી રેકેટનો ખુલાસો કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ગોવાથી એ.કે. સિંહ નામના એક વ્યક્તિની જે આર્મીમાં સુબેદાર હોવાનું જાણવા મળ્યું છે તેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દમણમાંથી રશ્મિની રવિન્દ્ર પાલ નામની એક મહિલાની ધરપકડ કરાઈ છે.
પાકિસ્તાની એજન્ટોને આર્થિક મદદ પૂરી પડાતી હતી
તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને આરોપીઓ સીધા પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સના સંપર્કમાં હતા અને દેશના સંવેદનશીલ વિસ્તારોની ગુપ્ત માહિતી પહોંચાડવામાં સક્રિય હતા. ચોંકાવનારી વાત એ છે કે આરોપી એ.કે. સિંહ ભારતીય સેનામાં સુબેદાર તરીકે ફરજ બજાવી ચૂક્યો છે અને તે પાકિસ્તાની એજન્ટોને આર્થિક મદદ પૂરી પાડવામાં પણ મદદ કરતો હતો.
અગાઉ ત્રણ શકમંદ આતંકવાદીઓ ઝડપાયા હતા
ઉલ્લેખનીય છેકે ગયા મહિને એટલે કે 7 નવેમ્બર 2025ના રોજ ગુજરાત એટીએસ દ્વારા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ત્રણ શકમંદ આતંકવાદીઓને ઝડપી પાડવામાં પણ સફળતા મેળવી હતી. ATSને અહેમદ મોહ્યુદ્દીન સૈયદ નામના એક શંકાસ્પદ શખ્સ ગુજરાતમાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ માહિતીના આધારે, ATSની ટીમે તુરંત કાર્યવાહી કરી હતી, બાતમીની ખરાઈ કરી અને ટેક્નિકલ એનાલિસિસ દ્વારા તેની ગતિવિધિઓ પર નજર રાખી હતી. દિવસભરની મથામણ બાદ, રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ તેની મૂવમેન્ટ કલોલ તરફ જોવા મળતાં ATSની ટીમે તેને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો. ત્યારબાદ અન્ય બેની ધરપકડ કરવામાં આવી હતી.
