Vallabhipur Canal Controversy: વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ હેઠળના અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન (UGPL) પેકેજ-IIIના કામ અંગે વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને રાજ્ય સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમ (SSNNL) દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે વિપક્ષના આક્ષેપો હકીકતથી વિપરીત, અર્ધસત્ય અને ટેકનિકલ બાબતોને અવગણીને કરવામાં આવ્યા છે.
ઉચ્ચસ્તરીય સમિતિ અને તકનીકી અભિપ્રાયના આધારે નિર્ણયો
વર્ષ 2017માં વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ હેઠળ UGPLના કુલ 7 પેકેજોના કામો અલગ-અલગ એજન્સીઓને સોંપાયા હતા. પાઇપોની સ્ટિફનેસ (Stiffness Class) અંગે ક્વોલિટી કંટ્રોલ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ દ્વારા સ્થળ મુલાકાત બાદ નિષ્ણાત અહેવાલો તૈયાર કરાયા હતા.
આ મુદ્દો કોઈ એક અધિકારીનો નહોતો, પરંતુ ઉચ્ચસ્તરીય વિભાગીય સમિતિની ભલામણો અને ટેન્ડર શરતો મુજબ જ સક્ષમ કક્ષાએથી મંજૂરી અપાઈ હતી.
14,517 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ શરૂ, બાકીના ભાગનું કામ પ્રગતિ હેઠળ
કુલ 7 પેકેજો પૈકી 4 UGPL પેકેજની પાઇપલાઇનોમાં છેડા સુધી પાણી પહોંચી રહ્યું છે, જેનાથી 14,517 હેક્ટર જમીનને સિંચાઈનો સીધો લાભ મળી રહ્યો છે. બાકીના 3 પેકેજોમાં પાણીપુરવઠાની પાઇપલાઇન અને ધોલેરા એક્સપ્રેસ-વે ક્રોસિંગના કારણે વિલંબ થયો હતો. તેના વર્ક ઓર્ડર આપી દેવાયા છે અને કામ પૂર્ણ થતાં જ વધુ 12,041 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.
'પાઇપો ગાયબ થવાનો કે નાણાંની લૂંટનો આક્ષેપ તથ્યવિહોણો'
ધોલેરા SIR અને એક્સપ્રેસ-વેના ઝડપી વિકાસ તથા સ્થાનિક અવરોધોને લીધે 1.865 કિમીનું કામ બાકી રહ્યું હતું.તે માટે ખરીદવામાં આવેલી 360 મીટર પાઇપો હાલ વિભાગના કેમ્પસમાં સંપૂર્ણ સુરક્ષિત રાખવામાં આવી છે, જેનો ઉપયોગ ભવિષ્યના જોડાણ કાર્યમાં થશે. કરાર મુજબ જ ચુકવણી કરાઈ હોવાથી 'પાઇપ ગાયબ થવાનો' દાવો ગેરમાર્ગે દોરનારો છે.
અધૂરા કામને પૂર્ણ જાહેર કરવાનો આક્ષેપ પણ ખોટો
ખેડૂતો દ્વારા જમીન ઉપયોગની સંમતિ (Right of Use - ROU) ન મળવાને કારણે કેટલુંક કામ અટક્યું હતું. એક પેકેજનો કરાર હજુ બંધ કરાયો નથી કે 5 વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M) પણ શરૂ થયું નથી, જેથી અધૂરા કામને પૂરું બતાવાયું હોવાની વાત પાયાવિહોણી છે.
CAG ઓડિટ નોંધો અંગે વહીવટી સ્પષ્ટતા
- ઓડિટ એ નિયમિત અને નિરંતર પ્રક્રિયા છે. નિગમ દ્વારા મહાલેખાકારની પ્રાથમિક નોંધો સામે વિગતવાર જવાબ રજૂ કરી દેવાયા છે.
- માત્ર પ્રારંભિક ઓડિટ નોટિસના આધારે કૌભાંડ કે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા યોગ્ય નથી.
સરકારનો મક્કમ દાવો
રાજ્ય સરકાર અને નર્મદા નિગમ ખેડૂતોના હિત, જાહેર નાણાંની સુરક્ષા અને પારદર્શિતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને બાકી રહેલા તમામ કાર્યો નિયમાનુસાર પૂર્ણ કરવામાં આવશે.
