Ahmedabad: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના (Gujarat Local Body Polls 2026) પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જીત માટે કમર કસી લીધી છે.
વિપક્ષો દ્વારા અગાઉ જ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવી રહ્યા છે, ત્યારે હવે સત્તાધારી પક્ષ ભાજપે પણ આક્રમક રણનીતિ સાથે મેદાને ઉતરીને સુરેન્દ્રનગર, અરવલ્લી અને વાવ-થરાદ જિલ્લા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.
અરવલ્લી જિલ્લા પંચાયતની 30 બેઠકો પર ઉમેદવારો જાહેર
અરવલ્લી જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં સૌથી વધુ ચર્ચા પૂર્વ IPS મનોજકુમાર નિનામાની થઈ રહી છે. મનોજ નિનામા આજે જ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા અને પક્ષે તાત્કાલિક તેમને ઓડ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે.
ભાજપે માત્ર જિલ્લા પંચાયત જ નહીં, પરંતુ તાલુકા અને નગરપાલિકા સ્તરે પણ ઉમેદવારો ફાઈનલ કર્યા છે. જેમાં
તાલુકા પંચાયત: મોડાસા (20), ભીલોડા (20), મેઘરજ (22), બાયડ (18), ધનસુરા (18), માલપુર (16), શામળાજી (16) અને સાઠંબા (16) બેઠકો પર નામ જાહેર કરાયા છે.
નગરપાલિકા: મોડાસા અને બાયડ નગરપાલિકાના કુલ 12 વોર્ડની 48 બેઠકો (દરેક પાલિકામાં 24-24 બેઠકો) માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર મનપા માટે 52 મુરતિયા જાહેર
ઝાલવાડમાં પણ ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની તમામ 52 બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરી દેવામાં આવ્યા છે. સંગઠન દ્વારા તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ જીતી શકે તેવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
આ ઉમેદવારોની પસંદગી માટે છેલ્લા કેટલાક દિવસોથી ભારે મથામણ ચાલી રહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરની હાજરીમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠક મળી હતી.
નિરીક્ષકો દ્વારા મેળવવામાં આવેલી સેન્સ પ્રક્રિયા અને બાયોડેટાના ઊંડા અભ્યાસ બાદ આ પ્રથમ યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હાલમાં માત્ર 3 જિલ્લાની યાદી જાહેર થઈ છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યના અન્ય જિલ્લાઓ અને મનપા માટે પણ ભાજપ બાકીના ઉમેદવારોના નામ જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
