ગુજરાતમાં કમોસમી કહેરઃ 2 કલાકમાં 22 તાલુકામાં વરસાદ વરસ્યો, સાઠંબામાં ગાજવીજ સાથે સૌથી વધુ 20 મિ.મી ખાબક્યો; ખેડૂતોમાં ઉચાટ

અચાનક આવેલા આ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ ખેતીના પાકને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 07 Apr 2026 05:26 PM (IST)Updated: Tue 07 Apr 2026 05:26 PM (IST)
gujarat-unseasonal-rain-showers-lash-22-talukas-in-2-hours-20-mm-rain-in-sathamba-723544
HIGHLIGHTS
  • ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા આંકડા જારી કરાયા

Gujarat Unseasonal Rain: ગુજરાત ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત 3 સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર હવામાનમાં પલટો આવ્યો છે અને રાજ્યના 22 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 19 મિ.મી વરસાદ વરસ્યો

જો અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો, બપોર બાદ મોડાસા, સાઠંબા, મેઘરજ, માલપુર, બાયડ સહિતના પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ કરીને સાઠંબામાં સૌથી વધુ 19 મિ.મી., મોડાસામાં 11 મિ.મી., બાયડમાં 5 મિ.મી. વરસાદ નોંધાયો છે. જેના કારણે પાક નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

આ સિવાય અન્ય તાલુકામાં વરસાદની વિગતો જોઈએ તો, માણસામાં 19 મિ.મી, ભાવનગરમાં 16 મિ.મી, હિંમતનગરમાં 11 મિ.મી, આણંદના ઉમરેઠમાં 7 મિ.મી, મહેસાણાના ઊંઝામાં 6 મિ.મી તેમજ વિસનગર અને વડનગરમાં 5-5 મિ.મી વરસાદ વરસ્યો છે.

ખેડા જિલ્લામાં અષાઢી માહોલ છવાયો

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ખેડા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ખેડા જિલ્લાના નડિયાદ, માતર, ઉત્તરસંડા, વડતાલ સહિતના પંથકમાં ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ પડ્યો છે. આવી જ રીતે આણંદમાં પણ ધૂળની ડમરીઓ ઉડવા સાથે વાતાવરણમાં ઠંડક પ્સરી જવા પામી છે. ભરૂચ જિલ્લાના જંબુસરમાં પણ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. જંબુસરમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટું વરસતા ખેડૂતોને પોતાના પાકમાં નુકસાનીની ચિંતા સતાવી રહી છે.