Gujarat Weather Forecast: આજે કચ્છમા હીટવેવની ચેતાવણી, અમદાવાદમાં અંગ દઝાડતી ગરમી પડશે, જાણો હવામાનની આગાહી

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે અસ્વસ્થતાભરી પરિસ્થિતિ સર્જાઇ શકે છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 13 Apr 2026 06:51 AM (IST)Updated: Mon 13 Apr 2026 06:51 AM (IST)
gujarat-weather-alert-heatwave-warning-in-kutch-hmedabad-may-hit-41-c-727056

Gujarat Weather Forecast: એપ્રિલના પ્રારંભમાં બેવડી ઋતુ રહ્યાં બાદ હવે રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિતના શહેરોમાં આભમાંથી જાણે કે અગનગોળા વરસતા હોય તેવી ગરમી અનુભવાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગે આજે કચ્છમાં હીટવેવની ચેતવણી આપી છે અને યલો એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાાન ભેજયુક્ત રહી શકે છે અને ગરમ પવનો ફૂંકાઇ શકે છે. અમદાવાદમાં પણ પારો 41 ડિગ્રીએ પહોંચી શકે છે.

તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો જોવા મળશે

હવામાન વિભાગ અનુસાર, હાલમાં પશ્ચિમી વિક્ષોભ, જે મધ્ય સ્તરના ઉપોષ્ણકટિબંધીય પશ્ચિમી પવનોમાં 5.8 કિલોમીટરની ઊંચાઈએ 76° પૂર્વ રેખાંશની આસપાસ 32° ઉત્તર અક્ષાંશની ઉત્તરે ટ્રોફ તરીકે સક્રિય છે, તેની સીધી અસર ગુજરાત પર નહીંવત્ હોવા છતાં, ઉષ્ણતામાનમાં વધારો ચાલુ રહેશે. સમગ્ર પ્રદેશમાં આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો જોવા મળશે. ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.

કચ્છમાં હીટવેવની ચેતાવણી

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 12મી એપ્રિલથી 18મી એપ્રિલ દરમિયાન ગરમ અને ભેજવાળી હવાના કારણે અસ્વસ્થતાભરી પરિસ્થિતિ સર્જાઇ શકે છે. આ વિસ્તારોમાં બફારો વધુ સતાવી શકે છે. ખાસ કરીને, કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તવાની પ્રબળ સંભાવના છે. અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.

હવામાન વિભાગની આ આગાહીને પગલે, નાગરિકોને તકેદારી રાખવા અને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. ગરમીથી બચવા માટે પૂરતું પાણી પીવા, સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા, બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓએ ખાસ કાળજી રાખવી હિતાવહ છે.