Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે અને આગામી ત્રણ દિવસ એટલે કે 18 એપ્રિલ સુધી રાજ્યમાં આ જ પ્રકારનું વાતાવરણ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર ત્રણ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. ત્યારબાદ મહત્તમ પારો 3 ડિગ્રી સુધી ઘટી શકે છે અને ગરમીમાં રાહત મળશે. જોકે 19 એપ્રિલથી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની પણ શક્યતા છે.
ગરમીની તીવ્રતામાં વધારો કરશે
હવામાન વિભાગ અનુસાર, આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી, ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 16 થી 18 એપ્રિલ દરમિયાન આ વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે લોકોએ ભારે અગવડતા અને ઉકળાટનો અનુભવ કરવો પડશે. પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના પવનો નીચલા સ્તરે ફૂંકાઈ રહ્યા હોવાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઊંચું રહેશે, જે ગરમીની તીવ્રતામાં વધારો કરશે.અમદાવાદમાં આગામી 24 કલાક દરમિયાન આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.
બે દિવસ કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગે 19 અને 20 એપ્રિલના રોજ રાજ્યમાં છૂટાછવાયા કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને મહીસાગર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ વિસ્તારો સિવાય રાજ્યના અન્ય ભાગોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.
ગઇકાલે અમદાવાદ અને રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યાં
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અને રાજકોટ સૌથી ગરમ શહેરો નોંધાયા છે, જ્યાં મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું. ભુજમાં 40.6 ડિગ્રી અને અમરેલીમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 3.2 ડિગ્રી વધુ એટલે કે 27 ડિગ્રી નોંધાયું છે, જેના કારણે રાત્રે પણ અકળાવે તેવી ગરમી અનુભવાઇ હતી. આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે.
