Gujarat Weather Forecast: આજે પણ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહેશે, બફારો અને ઉકળાટ વધશે, જાણો હવામાન વિભાગની આગાહી

રાજ્યના હવામાનમાં હાલ કોઈ મોટા ફેરફારની શક્યતા નથી, પરંતુ ચાર દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની સંભાવના છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 15 Apr 2026 06:59 AM (IST)Updated: Wed 15 Apr 2026 06:59 AM (IST)
gujarat-weather-alert-temperature-above-40-c-rain-likely-after-april-18-728154

Gujarat Weather Forecast: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો દોર યથાવત છે અને 18 એપ્રિલ સુધી આ જ પ્રકારનું વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગ અનુસાર 14 એપ્રિલથી 18 એપ્રિલ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે વાતાવરણ અત્યંત અકળાવનારું રહેશે.જોકે ત્યારબાદ વાતાવરણમાં પલટો આવી શકે છે અને બે દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ કમોસમી વરસાદ વરસી શકે છે.

મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહેશે

રાજ્યના હવામાનમાં હાલ કોઈ મોટા ફેરફારની શક્યતા નથી, પરંતુ ચાર દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની સંભાવના છે. મંગળવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતા 2 ડિગ્રી વધુ છે. શહેરનું લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા 3.2 ડિગ્રી વધીને 27 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચતા રાત્રિ દરમિયાન પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

રાજકોટ સતત બીજા દિવસે સૌથી ગરમ શહેર

રાજ્યના અન્ય શહેરોની સ્થિતિ જોઈએ તો રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી, અમરેલીમાં 41.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 40.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. કચ્છના વિસ્તારોમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હોવા છતાં ગરમીનું જોર યથાવત છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ વધશે

હવામાન વિભાગના વિશ્લેષણ મુજબ, 14 એપ્રિલથી 18 એપ્રિલ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે વાતાવરણ અત્યંત અકળાવનારું રહેશે. હવામાં ભેજનું પ્રમાણ વધવાથી પરસેવો અને ઉકળાટની સમસ્યા વધશે, જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે પડકારજનક બની શકે છે. હાલમાં દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેને અડીને આવેલા રાજસ્થાન પર સમુદ્રની સપાટીથી 1.5 કિમીની ઊંચાઈએ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

સપ્તાહના અંતમાં વરસાદની શક્યતા

ગરમીના આ આકરા રાઉન્ડ વચ્ચે હવામાન વિભાગે અઠવાડિયાના અંતમાં રાહતના સમાચાર પણ આપ્યા છે. આગામી 19 અને 20 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. 19 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા છે. 20 એપ્રિલના રોજ દાહોદ, પંચમહાલ, મહીસાગર, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે.