Gujarat Weather Forecast: કાળઝાળ ગરમીમાં વધારો થશે, તાપમાન 3 ડિગ્રી સુધી ઉંચકાશે, સાત દિવસ દરિયાકાંઠે ગરમ પવનો ફૂંકાશે

હવામાન વિભાગના મતે, ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના જમ્મુ પર સક્રિય પશ્ચિમી વિક્ષોભના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 12 Apr 2026 06:59 AM (IST)Updated: Sun 12 Apr 2026 06:59 AM (IST)
gujarat-weather-alert-temperature-to-rise-by-3c-hot-winds-for-7-days-726505

Gujarat Weather Forecast: ગઇકાલે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો. અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો હતો. ત્યારે આવનારા દિવસોમાં ગરમીનો મિજાજ વધુ આકરો બનાવની શક્યતા છે. હવામાન વિભાગે કાળઝાળ ગરમીની આગાહી કરી છે. આવનાર બે દિવસમાં તાપમાનનો પારો ઉંચકાશે અને સાત દિવસ એટલે કે 12થી 17 એપ્રિલ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે, ભેજયુક્ત વાતવારણ રહેશે.

તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો જોવા મળશે

હવામાન વિભાગના મતે, ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના જમ્મુ પર સક્રિય પશ્ચિમી વિક્ષોભના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. સપાટીથી 5.8 કિલોમીટરની ઊંચાઈ પર ટ્રફ પણ સક્રિય છે. આ સિસ્ટમના પ્રભાવ હેઠળ, રાજ્યમાં આગામી 48 કલાકમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. જોકે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ગરમીનો પ્રભાવ યથાવત રહેશે.આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો જોવા મળશે.

ગરમ અને ભેજવાળા વાતાવરણની હવામાનની ચેતવણી

તાપમાનમાં વધારાની સાથે જ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે મુશ્કેલી વધી શકે છે. હવામાન વિભાગે ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રીજનના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી સાત દિવસ સુધી 'હોટ એન્ડ હ્યુમિડ' એટલે કે ગરમ અને ભેજવાળા વાતાવરણની ચેતવણી આપી છે. આ સ્થિતિને કારણે હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી લોકોને ભારે અકળામણ અને અસહ્ય બફારાનો અનુભવ થશે. વિગતવાર આગાહી મુજબ, 12મી એપ્રિલથી 17મી એપ્રિલ દરમિયાન સમગ્ર ગુજરાત રીજન અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં આ સ્થિતિ વ્યાપક બનશે. વાતાવરણમાં વધતા ભેજને કારણે ગરમીનો અહેસાસ વાસ્તવિક તાપમાન કરતા પણ વધુ લાગશે.

આ સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને બફારા અને ગરમીથી રાહત નહીં મળે. આવી સ્થિતિમાં નાગરિકોને બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવા, પૂરતું પાણી પીવા, સુતરાઉ અને ખુલ્લા વસ્ત્રો પહેરવા તેમજ સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી બચવા માટે હવામાન વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી જરૂરી છે. ગરમી અને બફારાના કારણે ડિહાઇડ્રેશન અને લૂ લાગવાનો ભય રહેલો છે. તંત્ર દ્વારા પણ લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.