Gujarat Weather Forecast: છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયો છે. જેના પગલે કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ગઇકાલે અગ્નીવર્ષા થઇ હોય તેમ રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. 42. 4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં પણ ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો હતો. ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય
હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેને અડીને આવેલા રાજસ્થાન પર સમુદ્રની સપાટીથી 1.5 કિલોમીટરની ઊંચાઈએ સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે. આ હવામાન પ્રણાલીના પ્રભાવ હેઠળ રાજ્યમાં સૂકું હવામાન અને આકરા તાપની સ્થિતિ યથાવત્ જોવા મળી રહી છે.
હવામાન વિભાગની શું છે આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છમાં આગામી 24 કલાક દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં હીટવેવ ચાલુ રહેશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં આગામી સાત દિવસ દરમિયાન કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી પાંચ દિવસ દરમિયાન 40 ડિગ્રી કે તેથી વધુ તાપમાન રહી શકે છે. 13 એપ્રિલથી 19 એપ્રિલ દરમિયાન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે. આ સ્થિતિને કારણે હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ અસહ્ય બફારા અને શારીરિક અસ્વસ્થતાનો સામનો કરવો પડશે.
અમદાવાદ સહિતના શહેરોમાં પારો 41ને પાર પહોંચ્યો
છેલ્લા 24 કલાકના આંકડા દર્શાવે છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગરમીનું જોર સૌથી વધુ છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે અમરેલીમાં પારો 41.7 ડિગ્રી સુધી પહોંચ્યો છે. સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી અને વડોદરામાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યના પાટનગર ગાંધીનગર અને અમદાવાદ પણ ગરમીની ઝપેટમાં છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય તાપમાન કરતાં 1.6 ડિગ્રી વધુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ સુધી અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 41 ડિગ્રીની આસપાસ જળવાઈ રહેવાની શક્યતા છે.
