Gujarat Weather Today: ગુજરાતમાં આજે વહેલી સવારથી વાતાવણમાં પલટો આવ્યો છે. ગરમી અને ઠંડીના મિશ્ર હવામાન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો ઘેરાયા છે અને કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતો અને લગ્નનુ આયોજન કરનારા ચિંતામાં મુકાયા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યના ચાર જેટલા જિલ્લાઓમાં હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી
આજે સવારે 10 વાગ્યે જારી કરવામાં આવેલા વેધર નોટિફિકેશનમાં હવામાન વિભાગે જણાવ્યું છેકે, આગામી ત્રણ કલાક દરમિયાન દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ અને નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારથી છોટા ઉદેપુર, ભરૂચ, સુરત અને વડોદરા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. એકાએક વાતાવરણમાં પલટો આવવાથી અને માવઠું વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
સુરતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ
આજે સુરત શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારે સુરત શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, હાલ લગ્નની સીઝન પૂરબહારમાં ખીલી છે ત્યારે આ માવઠું અનેક પરિવારો માટે મુસીબત લઈને આવ્યું છે. વહેલી સવારે જ્યારે લગ્નની તૈયારીઓ ચાલતી હતી, ત્યારે જ વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના અનેક ખુલ્લા પાર્ટી પ્લોટ અને વાડીઓમાં બાંધવામાં આવેલા લગ્ન મંડપો પલળી ગયા હતા.
વડોદરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની સંભાવના ઊભી થતાં હવામાનમાં અચાનક ફેરફારો જોવા મળી રહ્યા છે. વડોદરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે તેમજ વહેલી સવારે છૂટાછવાયા વરસાદી ઝાપટાં નોંધાયા હતા. જોકે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો ન હતો અને વાતાવરણ સૂકું રહ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી વડોદરામાં સતત વાદળછાયું વાતાવરણ સર્જાતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે.
