હરેન પંડ્યા હત્યા કેસ: ગુજરાત હાઈકોર્ટમાં શાર્પ શૂટર અસગર અલીની સજા માફીની અરજી

હરેન પંડ્યા હત્યા કેસમાં શાર્પ શૂટર અસગર અલીની સજા માફીની અરજી પર 6 મહિનામાં નિર્ણય લેવા હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 26 Jun 2026 08:14 AM (IST)Updated: Fri, 26 Jun 2026 08:14 AM (IST)
haren-pandya-murder-case-asghar-ali-remission-plea-gujarat-high-court
Haren Pandya murder case, Gujarat High Court: ગુજરાતના ચકચારી હરેન પંડ્યા હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા હૈદરાબાદના શાર્પશૂટર મોહમ્મદ અસગર અલી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સજા માફીની અરજી કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે અસગર અલીની અરજી પર 6 મહિનાની અંદર કાયદા મુજબ યોગ્ય નિર્ણય લેવામાં આવે.

14 વર્ષની સજા અને જેલમાં સારા વર્તનનો હવાલો

અસગર અલીએ જેલમાંથી વહેલા મુક્ત થવા માટે સજા માફીનો લાભ મેળવવા સરકાર સમક્ષ વર્ષ 2025 માં અરજી કરી હતી, પરંતુ સરકારે કોઈ નિર્ણય ન લેતા તેણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. વકીલે કોર્ટમાં દલીલ કરી કે તેણે જેલમાં 14 વર્ષનો સમયગાળો પૂરો કર્યો છે અને જેલમાં તેનું વર્તન પણ સારું રહ્યું છે, જેના આધારે તેને મુક્ત કરવામાં આવે.

હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે અલીની અરજી હાલ વિચારણા હેઠળ છે અને આ મુદ્દે એડવાઇઝરી કમિટીનો અભિપ્રાય પણ મળી ચૂક્યો છે, જેને ટૂંક સમયમાં સત્તાધિકારી સમક્ષ મૂકવામાં આવશે. આ સાંભળ્યા બાદ હાઈકોર્ટે આદેશ આપ્યાની તારીખથી 6 મહિનાની અંદર સત્વરે નિર્ણય લેવા જણાવ્યું છે.

શા માટે થઈ હતી હરેન પંડ્યાની હત્યા?

ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા 26 માર્ચ, 2006 ના રોજ થઈ હતી. ત્યારબાદ થોડા જ દિવસોમાં અસગર અલીની ધરપકડ કરવામાં આવી હતી. CBI ની તપાસમાં ખુલાસો થયો કે વર્ષ 2002ના ગોધરા પછીના કોમી રમખાણોના બદલા રૂપે હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મોહમ્મદ અસગર અલી સાથે અન્ય 17 લોકો સામે IPC અને POTA હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

કેસનો અત્યાર સુધીનો કાનૂની ઘટનાક્રમ:

  • વર્ષ 2007: CBI કોર્ટે 12 લોકોને દોષિત ઠેરવ્યા અને શાર્પ શૂટર અસગર અલીને આજીવન કેદની સજા ફટકારી.
  • વર્ષ 2011: હાઈકોર્ટે હત્યાના કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, પરંતુ જગદીશ તિવારી હત્યા પ્રયાસમાં તેમની દોષિતતા યથાવત રાખી સજા ઘટાડીને 7 વર્ષ કરી દીધી.
  • વર્ષ 2019: સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને ઉલટાવી દીધો અને CBI ની અપીલને માન્ય રાખી તમામ 12 આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ભોગવવા માટે આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો.

લશ્કર-એ-તૈયબાના ઓપરેટિવની પણ અરજી

અસગર અલીની અરજી સિવાય, વર્ષ 2001માં કચ્છ સરહદેથી 22 કિલો RDX સાથે પકડાયેલા લશ્કર-એ-તૈયબાના ઓપરેટિવ શાહનવાઝ ભટ્ટીએ પણ સજા માફીના લાભ માટે કોર્ટમાં અરજી કરી છે. ગુજરાત હાઈકોર્ટે સરકારને તેની અરજી પર પણ છ મહિનામાં વિચાર કરીને નિર્ણય લેવા માટે નિર્દેશ આપ્યો છે.

આજીવન કેદની સજા પામેલા ભટ્ટીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તેણે કોઈ પણ પ્રકારના પેરોલ વિના જેલમાં 2 દાયકાથી એટલે કે 20 વર્ષથી વધુ સમય વિતાવ્યો છે, છતાં સત્તાવાળાઓ લગભગ 2 વર્ષથી તેની અરજી પર કોઈ નિર્ણય લઈ રહ્યા નથી.