Ahmedabad-Mumbai Bullet Train Latest News: અમદાવાદ અને મુંબઈ વચ્ચે મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આકાર પામી રહ્યો છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR) પરિયોજનાના નિર્માણ કાર્યોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી રહી છે. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) અને રેલવે મંત્રાલય દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કેટલું કાર્ય પૂર્ણ થયું છે અને કેટલું કાર્ય પ્રગતિમાં છે તેની વિગતો આપવામાં આવી છે. આ પ્રોજેક્ટે 330 કિલોમીટર વાયડક્ટનું નિર્માણ પૂરું કર્યું છે, જ્યારે 17 નદી પુલ અને 250 કિલોમીટર રેઈનફોર્સ્ડ કોન્ક્રીટ (RC) ટ્રેક બેડ પણ તૈયાર થઈ ગયા છે.
બુલેટ ટ્રેનના સ્ટેશનોનું કામ કેટલે પહોંચ્યું
પરિયોજનાના રૂટ પરના આઠ મુખ્ય સ્ટેશનો પર બાંધકામ વેગ પકડ્યો છે. આ સ્ટેશનોમાં વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે. આ સ્ટેશનોનું નિર્માણ આધુનિક મુસાફરી સુવિધાઓ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે થઈ રહ્યું છે.
#BulletTrainIndia https://t.co/3mZhWCnVP4
— NHSRCL (@nhsrcl) December 7, 2025
- વાપી, બિલિમોરા અને આણંદ: આ સ્ટેશનોનું નિર્માણકાર્ય વિકાસના વિવિધ તબક્કાઓમાં છે.
- સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદ: આ સ્ટેશનો પર મોટા પાયે બાંધકામ ચાલી રહ્યું છે, જે ભવિષ્યમાં મુખ્ય પરિવહન હબ બનશે.
- સાબરમતી: અમદાવાદના મુખ્ય સ્ટેશન નજીક આવેલા આ સ્ટેશનનું કાર્ય પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું અન્ય નિર્માણ કાર્યની વિગતો
- વાયડક્ટ: 330 કિલોમીટર વાયડક્ટનું નિર્માણ પૂર્ણ થયું છે.
- પિયર્સ: 406 કિલોમીટર લાંબા પિયર્સ (થાંભલાઓ)નું બાંધકામ પણ પૂરું થયું છે.
- નદી પુલ: પ્રોજેક્ટે 17 નદી પુલનું નિર્માણ કર્યું છે, જે જટિલ ભૌગોલિક પડકારોને પાર પાડે છે.
- સ્ટીલ પુલ: 11 સ્ટીલ પુલ પણ બાંધવામાં આવ્યા છે, જે વિવિધ હાઈવે અને રેલવે લાઇનને ઓળંગે છે.
- ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) માસ્ટ્સ: ટ્રેનોને શક્તિ પ્રદાન કરવા માટે 3500 OHE માસ્ટ્સ સ્થાપિત કરાયા છે.
- RC ટ્રેક બેડ: ઉચ્ચ ગતિ માટે સપાટ અને સ્થિર સપાટી પૂરી પાડતો 250 કિલોમીટરનો RC (રેઈનફોર્સ્ડ કોન્ક્રીટ) ટ્રેક બેડ બિછાવવામાં આવ્યો છે.
- નોઈઝ બેરિયર્સ: આસપાસના વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે 4.5 લાખથી વધુ નોઈઝ બેરિયર્સ (અવાજ અવરોધક) લગાવવામાં આવ્યા છે.
