IIM અમદાવાદમાં 'મટ્ટુ સેન્ટર' ની સ્થાપના: ભારતના નાણાકીય સંશોધનને મળશે નવો વેગ

IIM અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી રવિ મટ્ટુના આર્થિક સહયોગથી આ મટ્ટુ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 13 Jul 2026 03:38 PM (IST)Updated: Mon, 13 Jul 2026 03:38 PM (IST)
iim-ahmedabad-launches-mattu-centre-for-financial-research-by-ravi-mattu
IIM અમદાવાદ

IIM Ahmedabad Mattu Centre: ભારતની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થા, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIMA) દ્વારા ફાઈનાન્સ ક્ષેત્રે સંશોધનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. 13 જુલાઈ, 2026 ના રોજ IIMA દ્વારા ફાઈનાન્સ રિસર્ચને વેગ આપવા માટે 'મટ્ટુ સેન્ટર ફોર રિસર્ચ ઈન સિક્યુરિટી પ્રાઈસિંગ એન્ડ કોર્પોરેટ ફાઈનાન્સ' નામના નવા સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે. 

ભૂતપૂર્વ વિદ્યાર્થીનો ઉદાર આર્થિક સહયોગ

આ કેન્દ્રની સ્થાપના IIM અમદાવાદના વર્ષ 1979 ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થી રવિ મટ્ટુના ઉદાર અને પરોપકારી આર્થિક સહયોગથી શક્ય બની છે. રવિ મટ્ટુ અગાઉ પેસિફિક ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની (PIMCO) માં મેનેજિંગ ડિરેક્ટર અને ગ્લોબલ હેડ (એનાલિટિક્સ) તરીકે સેવા આપી ચૂક્યા છે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય નાણાકીય બજારો માટે મજબૂત ડેટાબેઝ તૈયાર કરવાનો અને એકેડેમિયા, ઉદ્યોગ જગત, નિયમનકારો અને નીતિ ઘડવૈયાઓ વચ્ચે સાર્થક સહયોગ સ્થાપિત કરવાનો છે.

IIM અમદાવાદમાં સ્થાપિત આ મટ્ટુ સેન્ટર મુખ્યત્વે એસેટ પ્રાઈસિંગ, કોર્પોરેટ ફાઈનાન્સ અને કોર્પોરેટ ગવર્નન્સ જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે ખાસ કરીને ભારતીય મૂડી બજાર માટે અત્યંત પ્રસ્તુત છે. આ કેન્દ્ર ફાઈનાન્સ ક્ષેત્રે સંશોધનની ગુણવત્તા વધારવાની સાથે સમાજ પર લાંબા ગાળાની સકારાત્મક અસર ઊભી કરશે.

સંચાલન વ્યવસ્થા અને નિષ્ણાતોના મંતવ્યો 

IIM અમદાવાદના ડિરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરે આ કેન્દ્રના મહત્વ વિશે માહિતી આપતા જણાવ્યું કે, ભારત જ્યારે વૈશ્વિક સ્તરે અગ્રણી નાણાકીય બજાર તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે ભારતીય સંદર્ભમાં ઊંડાણપૂર્વકનું સંશોધન અને સચોટ ડેટા હોવો અનિવાર્ય છે. આ કેન્દ્ર ભવિષ્યના સંશોધકો અને પ્રેક્ટિશનરોની નવી પેઢી તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

naidunia_image

બીજી તરફ, દાતા રવિ મટ્ટુએ પણ આશા વ્યક્ત કરી કે, આ કેન્દ્ર ભારત અને અમેરિકાની ફાઈનાન્સ ફેકલ્ટી વચ્ચે સંશોધન માટે સહયોગ સાધશે અને ખાસ કરીને યુવાન સંશોધકોને પ્રોત્સાહન આપશે.

આ સેન્ટરનું સંચાલન એક ઉચ્ચ સ્તરીય ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે, જેમાં પ્રોફેસર જોશી જેકોબ અને પ્રોફેસર એલાપુલ્લી વાસુદેવન સહ-અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળશે. આ કાઉન્સિલમાં રવિ મટ્ટુ ઉપરાંત ન્યૂયોર્ક યુનિવર્સિટીના પ્રોફેસર અને અન્ય પ્રતિષ્ઠિત નિષ્ણાતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

IIMA એન્ડોવમેન્ટ ફંડની (IIMAEF) ભૂમિકા

આ સેન્ટર અંતર્ગત ભવિષ્યમાં સેમિનાર, વર્કશોપ, કોન્ફરન્સ અને જ્ઞાનની આપ-લે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. નોંધનીય છે કે, આ કેન્દ્રની સ્થાપનામાં IIMA એન્ડોવમેન્ટ ફંડ (IIMAEF) એ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફંડ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ ભાગીદારોના સહયોગથી IIMA ના મિશનને આગળ ધપાવવા માટે સતત કાર્યરત છે.