Ahmedabad IT Raids: ગુજરાતમાં આવકવેરા (Income Tax) વિભાગ દ્વારા ફરી એકવાર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જેના પગલે રાજ્યના વેપારી આલમમાં હડકંપ મચી ગયો છે. અમદાવાદ સ્થિત જાણીતા વિનોદ ટેક્સટાઈલ ગ્રુપ સાથે જોડાયેલા 35થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગની ટીમો ત્રાટકી છે.
ગઇકાલે વહેલી સવારથી શરૂ થયેલા આ મેગા સર્ચ ઓપરેશનમાં ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે જોડાયેલા ધંધાર્થીઓમાં ભારે ભય ફેલાયો છે. આ દરોડામાં વિનોદ ટેક્સટાઈલ ગ્રુપના મુખ્ય સંચાલકો વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત 19 જેટલા નિવાસસ્થાનોનો પણ સમાવેશ થાય છે.
150થી વધુ અધિકારીઓની ટીમ ત્રાટકી
આવકવેરા વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વિશાળ સર્ચ ઓપરેશનમાં 150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ જોડાઈ છે. સુરક્ષા અને કાર્યવાહીની ગુપ્તતા જાળવવા માટે દરોડા પાડતી ટીમો સાથે પોલીસનો કાફલો પણ જોડાયેલો છે.
આવકવેરા વિભાગની ટીમો અમદાવાદના મહત્ત્વના વિસ્તારો જેવા કે સેટેલાઈટ, નારોલ, પીરાણા, સૈજપુર અને પીપળજ ખાતે એકસાથે ત્રાટકી છે. આ વિસ્તારોમાં વિનોદ ટેક્સટાઈલ ગ્રુપની ઓફિસો, ગોડાઉન્સ, ફેક્ટરીઓ અને ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાનોનો સમાવેશ થાય છે.
મોટા પાયે કરચોરીની શંકા
આવકવેરા વિભાગ દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ મોટા પાયે કરચોરી કરવામાં આવી હોવાની અને બિનહિસાબી વ્યવહારો થયા હોવાની શંકાના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓ ટેક્સટાઈલ ગ્રુપના હિસાબી દસ્તાવેજો, કોમ્પ્યુટર ડેટા, બેંક સ્ટેટમેન્ટ્સ અને અન્ય મહત્ત્વપૂર્ણ ફાઈલોની સઘન ચકાસણી કરી રહ્યા છે. વહેલી સવારથી શરૂ થયેલું આ સર્ચ ઓપરેશન લાંબુ ચાલે તેવી શક્યતા છે. આ દરોડા બાદ ટેક્સટાઈલ અને સંબંધિત ઉદ્યોગોના અન્ય મોટા વેપારીઓના ધબકારા પણ વધી ગયા છે.
