Arabian Sea Low Pressure: અરબ સાગરમાં ફરી એકવાર હવાનું દબાણ સક્રિય થયું છે. એક સિસ્ટમ એક્ટિવ થઇ છે. લક્ષદ્વીપ અને તેને અડીને આવેલા માલદીવ વિસ્તાર પર લો પ્રેશર સર્જાયું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, લક્ષદ્વીપ અને નજીકના માલદીવ વિસ્તાર પર સક્રિય થયેલું લો-પ્રેશર ક્ષેત્ર હવે દક્ષિણપૂર્વ અરબ સાગર અને તેને સંલગ્ન લક્ષદ્વીપ વિસ્તાર પર કેન્દ્રિત થયું છે. જોકે હાલ ચક્રવાત આકાર પામે તેવી કોઇ શક્યતા જોવા મળી રહી નથી. આગામી સાત દિવસ દરમિયાન સિસ્ટમ ચક્રવાત ફેરવાય તેવી શક્યતા જણાતી નથી. જોકે હવામાન વિભાગ સતત તેનું નિરીક્ષણ કરી રહ્યું છે.
24 કલાકમાં સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધશે
હવામાન વિભાગ દ્વારા 20 નવેમ્બર, 2025 ના રોજ સવારે નોંધાયેલા ડેટા મુજબ, આ લો-પ્રેશર ક્ષેત્ર દક્ષિણપૂર્વ અરબ સાગર અને લક્ષદ્વીપ વિસ્તારમાં સ્થિર છે. તેની સાથે સંકળાયેલું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિલોમીટર સુધી ફેલાયેલું છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.
ગાઢ નીચા અને મધ્યમ વાદળો છવાયા
INSAT 3DS સેટેલાઇટ દ્વારા મળેલા ડેટા દર્શાવે છે કે, દક્ષિણપૂર્વ અરબ સાગર, લક્ષદ્વીપ ટાપુઓ, માલદીવ અને કોમોરિન વિસ્તારમાં છૂટાછવાયાથી ગાઢ નીચા અને મધ્યમ વાદળો જોવા મળી રહ્યા છે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે ગર્જના સાથે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે મધ્ય અને દક્ષિણપશ્ચિમ અરબ સાગરમાં છૂટાછવાયા નીચા અને મધ્યમ વાદળો સાથે હળવાથી મધ્યમ વરસાદી ગતિવિધિ જોવા મળી રહી છે.
ચક્રવાતનો કોઈ ખતરો નહીં
આગામી 168 કલાક (એટલે કે આગામી સાત દિવસ) દરમિયાન આ સિસ્ટમના ચક્રવાતી વાવાઝોડા (ડિપ્રેશન) માં પરિવર્તિત થવાની સંભાવના નહીંવત્ છે. હાલ પૂરતું કોઈ મોટા ચક્રવાતનો ખતરો જણાતો નથી.
