UpdatedIST

Ahmedabad: હોટલ હિલ્લોક પાસે લોકોએ રોડ બ્લોક કર્યો, ડિવાઈડર કટ ખોલાવવા રસ્તે ઉતર્યા;  2 કિમી સુધી વાહનોના થપ્પા લાગ્યા

હોટલ હિલ્લોક પાસેનો ડિવાઈડર કટ ખોલાવવાની માંગ સાથે ન્યુ ત્રાગડ-ચાંદખેડાના સ્થાનિકોએ રોડ બ્લોક કરી વિરોધ નોંધાવ્યો.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 22 Feb 2026 11:10 AM (IST)Updated: Sun 22 Feb 2026 11:10 AM (IST)
new-tragad-chandkheda-locals-protest-demand-opening-of-hotel-hillock-divider-cut-696526
HIGHLIGHTS
  • હોટલ હિલ્લોક પાસે સ્થાનિક લોકોએ રોડ બ્લોક કર્યો
  • સ્થાનિક રહીશોએ શાંતિપૂર્ણ રેલી યોજી કર્યો વિરોધ
  • 2 કલાક સુધી ટ્રાફિક જામ, પોલીસે મામલો થાળે પાડ્યો

Hotel Hillock Divider Cut dispute: અમદાવાદના એસપી રિંગ રોડ પર હોટલ હિલ્લોક પાસે ડિવાઈડર કટ બંધ કરી દેવામાં આવતા ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે. બીજી તરફ સ્થાનિક લોકોને લાંબો રસ્તો કાપીને જવું પડે છે. આ ડિવાઈડર કટ ખોલાવવાની માંગ સાથે ન્યુ ત્રાગડ અને ચાંદખેડાના સ્થાનિકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થાનિકોએ બંને તરફનો રોડ બ્લોક કરી વિરોધ નોંધાવ્યો હતો.

હોટલ હિલ્લોક પાસે લોકોએ રોડ બ્લોક કર્યો

એસપી રિંગ રોડ પર હોટલ હિલ્લોક પાસે ડિવાઈડર કટ બંધ કરી દેવાતા સ્થાનિક લોકો વિરોધમાં આવ્યા છે. આ ડિવાઈડર કટ ખોલાવવાની માંગ સાથે ન્યુ ત્રાગડ અને ચાંદખેડાના સ્થાનિકોએ ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી તરફના બંને સાઇડનો રોડ બ્લોક કરી વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે રોડ પર ભારે ટ્રાફિક જામ થયો અને બે કલાક સુધી વાહન ચાલકો ફસાયા હતા.

સ્થાનિકો દ્વારા શાંતિપૂર્ણ રેલીનું આયોજન

ત્રાગડ અને ચાંદખેડા વિસ્તારના રહીશોની અવરજવરની સુવિધા માટે 'હિલ્લોક કટ' ફરીથી ખોલાવવા બાબતે સ્થાનિક લોકોએ શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું. શનિવારની રાત્રે યોજાયેલી આ રેલીમાં 50થી વધુ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા. શુભ ગ્રીન સોસાયટીથી શરૂ થયેલી આ રેલી રામચોક, આનંદ આઈ લાઈફ રોડ, બેસિલ સ્કાયલાઇન અને મુખ્ય હાઈવે થઈ હોટલ હિલ્લોક પહોંચી હતી.

ઢોલ-નગારા અને બેનરો સાથે કરી માંગણી

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ રેલીનો ઉદ્દેશ્ય સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને સંયમિત છે. અમારો ઈરાદો કોઈ પણ પ્રકારની તોડફોડ, અશાંતિ કે જનતાને હેરાન કરવાનો નથી. અમે માત્ર સરકાર અને તંત્ર સુધી અમારી વાજબી માંગણી અને પડતી મુશ્કેલીઓને ઢોલ-નગારા અને બેનરો સાથે પહોંચાડવા માંગીએ છીએ.

પોલીસે લોકોને હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો

સ્થાનિક લોકોએ પોતાની માંગ સાથે બેનરો દર્શાવી વિરોધ કર્યો હતો. હોટલ હિલ્લોક પાસેનો ડિવાઈડર કટ ખોલાવવા માટે લોકોના ટોળા રોડ પર ભેગા થયા, અને રોડ બંધ કરાવી દીધો હતો. આ અંગે માહિતી મળતા જ સ્થાનિક ચાંદખેડા પોલીસ સ્થળ પર પહોંચી હતી. ચાંદખેડા પોલીસે વિરોધ કરતા લોકોને રોડ પરથી હટાવ્યા અને ટ્રાફિક પોલીસ સાથે મળી ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો.

ડિવાઈડર કટ ખોલવા માટે ઉગ્ર વિરોધ

આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાય સમયથી આ ડિવાઈડર કટ ખોલવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. પરંતુ ઔડા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ અગાઉ પણ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. નાના ગરનાળામાંથી લોકો ટુ વ્હીલર લઈને પસાર થઈ શકે તે પ્રમાણે AUDA દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ ફોર વ્હીલર ચાલકોને ફરજિયાત ઝુંડાલ સુધી સર્કલ ફરીને બીજી સાઈડ આવવું પડે છે.