Ahmedabad News: અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા સુક્રુતિ ગૃહ ઉદ્યોગ અને ગોરમે નામના સ્ટોરમાં લાખો રૂપિયાની ઉચાપતનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સ્ટોરમાં કેશિયર તરીકે ફરજ બજાવતા બે કર્મચારીઓએ હિસાબમાં ગડબડ કરીને કુલ રૂ.25,19,972ની ઉચાપત કરી હોવાનું ખુલ્યું છે. આ અંગે સ્ટોરના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘાટલોડિયામાં રહેતા 28 વર્ષીય જયમીનભાઈ શાહ, જે સુપ૨ સેન્ટર રીટેલ હબ પ્રા.લી કંપનીમાં એકાઉન્ટ અને એડમીન હેડ મેનેજર તરીકે કાર્યરત છે, તેમણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, તેઓ ગત તા. 01-11-2025ના રોજ સુક્રુતિ ગ્રુહ ઉધોગ એન્ડ ગોરમે સ્ટોર ખાતે વાર્ષિક સ્ટોક ચેક કરવા ગયા હતા. તા. 03-11-2025ના રોજ સ્ટોક ચેક કરતા ડિસેમ્બર 2024 થી તા. 31-10-2025 સુધીના સમયગાળા દરમિયાન સ્ટોકમાં રૂ.24,48,972નો માલસામાન ઓછો હોવાનું ધ્યાને આવ્યું હતું.
આ ગડબડ અંગે સ્ટોરના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કેશ કાઉન્ટર પર નોકરી કરતા નિર્ભયસિંહ ઉર્ફે નરેન્દ્ર (મૂળ રાજસ્થાન, રહે. ચાંદલોડીયા) અને કેશવ ગોયલ (રહે. જનતાનગર) નામના બે કેશિયરો ગ્રાહકોને વાતોમાં રાખી માલસામાન વેચ્યા બાદ બિલ આપતા નહોતા કે પંચ કરતા નહોતા. દિવસના અંતે સ્ટોર બંધ થયા બાદ, બિલ વગર વેચાયેલા માલસામાનની રોકડ રકમ તેઓ પોતાની પાસે રાખી લેતા હતા.
સીસીટીવી ફૂટેજમાં એ પણ સામે આવ્યું કે આ બંને કેશિયરોએ ગ્રાહકો દ્વારા ખરીદાયેલી વસ્તુઓની રોકડ રકમમાંથી રૂ.71,000ની પણ સીધી ઉચાપત કરી હતી. આંતરિક તપાસ અને સ્ટોક રિકન્સીલીએશન બાદ કુલ રૂ.24,48,972નો માલસામાન અને રૂ.71,000 રોકડા સહિત કુલ રૂ.25,19,972ની ઉચાપત થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. આ અંગે જયમીનભાઈ શાહે આખરે તા. 21-02-2026ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
