Paresh Goswami Ni Agahi: છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં ઠંડીએ વિરામ લીધો છે. એટલે કે બંગાળની ખાડીની અંદર સક્રિય થયેલા દિપ્તાહ વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના હવામાનમાં વિપરિત પરિસ્થિતિ જોવા મળી હતી. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતનું તાપમાન ઊંચકાયું હતુ. રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વાદળ તો ઘણી જગ્યાએ ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ હતી. જો કે હવે ફરીથી ગુજરાતમાં રાબેતા મુજબ ઠંડીનો રાઉન્ટ આવી રહ્યો છે.
આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, દિપ્તાહ વાવાઝોડાના કારણે પવનની દિશા બદલાઈ ગઈ હતી. જો કે હવે વાવાઝોડું ધીમે-ધીમે નિષ્ક્રીય થઈ રહ્યું છે. જેના પરિણામે આવતીકાલે સાંજ સુધીમાં ગુજરાતમાં પવનની દિશા ફરીથી રાબેતા મુજબ થઈ જાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો
આવતીકાલથી ગુજરાતના કેટલાક ભાગોમાં ઉત્તર તો કેટલાક ભાગોમાં ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ શકે છે. જેના પરિણામે આગામી બે-ત્રણ દિવસની અંદર તાપમાન નીચું જશે. ખાસ કરીને રાતના સમયે લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો થઈ શકે છે.
છેલ્લા એકાદ સપ્તાહથી રાત્રિનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહ્યું હતુ, પરંતુ આવતીકાલથી તે 13 થી 14 ડિગ્રી સુધી નીચું આવશે. જેના પરિણામે ફરીથી ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળશે.
ગુજરાતમાં શિયાળાની શરૂઆત થયા પછી એક જ રાઉન્ડ એવો આવ્યો, જેમાં ગુલાબી ઠંડી જોવા મળી હતી. જો કે તે પછી વાવાઝોડાની અસરના કારણે ઠંડી ગાયબ થઈ ગઈ હતી. જો કે આવતીકાલથી વહેલી સવારે અને રાતના સમયે આપણને ઠંડીનો અહેસાસ થશે.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, નજીકના સમયમાં માવઠા, વાદળછાયા કે ધુમ્મસભર્યા વાતાવરણની કોઈ શક્યતા નથી. આથી આપણા માટે એક સારા સમાચાર છે. આવતીકાલથી ધીમે-ધીમે શિયાળાનું ખુશનુમા હવામાન સેટ થઈ જશે.
