Rajasthan Bus Accident: સીકરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, વૈષ્ણોદેવીથી પરત ફરતા 4 ગુજરાતી યાત્રીઓના કરુણ મોત; 28 લોકો ઘાયલ

અકસ્માતમાં ઘાયલ થયેલા મોટાભાગના મુસાફરો ગુજરાતના હોવાનું કહેવાય છે. તેઓ વૈષ્ણોદેવીથી પરત ફરી રહ્યા હતા અને ખાટુ શ્યામજીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 10 Dec 2025 09:56 AM (IST)Updated: Wed 10 Dec 2025 10:02 AM (IST)
rajasthan-bus-accident-news-4-gujaratis-dead-28-injured-652762

Rajasthan Bus Accident: રાજસ્થાનના સીકર જિલ્લામાં આજે વહેલી સવારે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં વૈષ્ણોદેવીની યાત્રાથી પરત ફરી રહેલા ગુજરાતના 4 યાત્રીકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ગમખ્વાર દુર્ઘટનામાં 28થી વધુ યાત્રાળુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 7 લોકોની સ્થિતિ નાજુક જણાતાં મૃત્યુઆંક વધવાની ભીતિ છે.

બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતી યાત્રીકોને લઈને જતી એક બસ અને ટ્રક વચ્ચે સીકર હાઇવે પર ભયાનક ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.

ઇજાગ્રસ્તોની સારવાર ચાલું

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગંભીર ઇજાગ્રસ્તોને ઉચ્ચ સારવાર માટે મોટા શહેરોમાં રિફર કરવામાં આવી શકે છે.

ગુજરાતી યાત્રાળુંઓ સવાર હતા

ગુજરાતથી યાત્રાએ ગયેલા યાત્રીકોના અકસ્માતના સમાચાર મળતા જ ગુજરાતના તેમના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોની ઓળખ પ્રસ્થાપિત કરવાની અને તેમના મૃતદેહો ગુજરાત મોકલવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

બસનો આગળનો ભાગ તુટી ગયો હતો

માહિતી અનુસાર, સ્લીપર બસ બિકાનેરથી જયપુર જઈ રહી હતી, જ્યારે ટ્રક ઝુનઝુનુથી બિકાનેર જઈ રહી હતી. બંને વાહનોની ગતિ વધુ હોવાને કારણે, ટક્કર એટલી ગંભીર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે તુટી ગયો હતો. ઘણા મુસાફરો તેમની સીટમાં ફસાયેલા હતા, અને તેમને બહાર કાઢવા માટે ઘણી મહેનત કરવી પડી.