અમદાવાદના સુભાષબ્રિજ ગાર્ડનથી શિલાલેખ સુધીનો રિવરફ્રન્ટ રોડ તાત્કાલિક ધોરણે વાહનવ્યવહાર માટે ખુલ્લો કરાયો

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સુભાષબ્રિજ ગાર્ડનથી શિલાલેખ તરફ જતો સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વ કાંઠાનો રોડ હંગામી ધોરણે વાહનો માટે તાત્કાલિક શરૂ કરવામાં આવ્યો છે. SRFDCLનો મહત્વનો નિર્ણય.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 07 Aug 2026 10:16 PM (IST)Updated: Fri, 07 Aug 2026 10:16 PM (IST)
sabarmati-riverfront-road-ahmedabad-reopens-for-traffic

Sabarmati Riverfront Road Open: અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને નાગરિકોની અવરજવરને વધુ સુગમ બનાવવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કાંઠે સુભાષબ્રિજ ગાર્ડનથી શિલાલેખ તરફ જતો રિવરફ્રન્ટ રોડ તાત્કાલિક ધોરણે વાહનવ્યવહાર માટે હંગામી ધોરણે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

સુભાષબ્રિજના ડિટેઇલ ઇન્સ્પેક્શનને કારણે બંધ કરાયો હતો માર્ગ

ઉલ્લેખનીય છે કે, સુભાષબ્રિજની સુરક્ષા અને માળખાકીય મજબૂતીની ચકાસણી માટે હાથ ધરાયેલી ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરીને ધ્યાનમાં રાખીને અગાઉ સલામતીના કારણોસર આ માર્ગ જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે, હાલમાં આસપાસના વિસ્તારમાં ટ્રાફિકનું ભારી ભારણ ઘટશે અને લોકોને અવરજવરમાં સરળતા રહેશે તે હેતુથી તેને ફરીથી ખુલ્લો કરવાનો નિર્ણય કરાયો છે.

પૂર્વ વિસ્તારના વાહનચાલકોને મળશે વૈકલ્પિક માર્ગની સુવિધા

આ મહત્વનો રિવરફ્રન્ટ રોડ શરૂ થવાથી ખાસ કરીને પૂર્વ અમદાવાદ તરફ અવરજવર કરતા વાહનચાલકોને એક ઉત્તમ વૈકલ્પિક માર્ગ મળી રહેશે. આનાથી મુખ્ય માર્ગો પર થતો ટ્રાફિક જામ હળવો થશે અને ટ્રાફિક પોલીસ તથા તંત્રને વાહન વ્યવહારના સુચારુ સંચાલનમાં મોટી મદદ મળશે.

SRFDCL દ્વારા જાહેર જનતાને અપીલ

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે આ માર્ગ હંગામી ધોરણે શરૂ કરવામાં આવ્યો છે, તેથી તમામ વાહનચાલકો અને જાહેર જનતાએ આ વ્યવસ્થાની નોંધ લેવી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું.