Ahmedabad World-Class Railway Station: અમદાવાદમાં દેશનું એક એવું રેલવે સ્ટેશન(Ahmedabad Railway Station) બનવા જઈ રહ્યું છે કે જે 16 માળનું (16 Storey World-Class Railway)શાનદાર સુવિધાથી સજ્જ હશે. અહીંથી ટ્રેન ઉપરાંત બસ તથા મેટ્રોની સેવા ઉપલબ્ધ બનશે.
આ ઉપરાંત સ્ટેશનની અંદર જ મોલ, ઓફિસો, હોટેલ તથા ગાર્ડન જેવી સુવિધા હશે. આ અમદાવાદના કાલુપુરમાં બની રહેલું આ રેલવે સ્ટેશન લંડન અને પેરિસના સ્ટેશનોને પણ પાછળ છોડી દેશે.

આધુનિક રેલવે સ્ટેશન જુલાઈ 2027 સુધીમાં તૈયાર થશે
અમદાવાદનું આ સ્ટેશન ઐતિહાસિક પરિવર્તનની દિશામાં આગળ વધી રહ્યું છે. તે દેશનું સૌથી ઊંચુ અને સૌથી આધુનિક 16 માળનું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ રેલવે સ્ટેશન પ્રોજેક્ટ સમગ્ર દેશમાં અત્યાધુનિક ટ્રાન્સપોર્ટેશનનું એક નવું ઉદાહરણ અને માપદંડ સાબિત થવા જઈ રહ્યો છે.
આ રેલવે સ્ટેશનના પ્રોજેક્ટ પર ખૂબ જ ઝડપથી કામ થઈ રહ્યું છે. અત્યારે આ કામગીરી પૂરી કરવા માટે જુલાઈ 2027નો લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલો છે.
કાલુપુર રેલવે સ્ટેશનમાં શું ખાસ હશે?
કાલુપુર રેલવે સ્ટેશનની ઊંચાઈ,ડિઝાઇન અને સુવિધા સાથે તદ્દન અલગ અને આધુનિક દેખાવથી આકર્ષક હશે.તે એક રેલ્વે સ્ટેશન હોવા ઉપરાંત મુસાફરો,પ્રવાસીઓ અને શહેરના રહેવાસીઓ માટે એક બહુહેતુક સ્ટ્રક્ચર પણ હશે.આ 16 માળના સ્ટેશનમાં વિશાળ પાર્કિંગ સુવિધા,એક વિશાળ ઓફિસ કેમ્પસ,એક વાણિજ્યિક વિસ્તાર અને મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાનો સમાવેશ ધરાવશે.
એક જ જગ્યાથી મળશે બસ, ટ્રેન, મેટ્રો અને બુલેટ ટ્રેન
ખાસ વાત એ છે કે સ્ટેશનને પરિવહનના તમામ માધ્યમો એટલે કે રેલ્વે,મેટ્રો,બસ સેવા અને બુલેટ ટ્રેન ઉપલબ્ધ બનશે. મુસાફરોને એક જ સ્થળેથી તમામ કનેક્ટિવિટીની સુવિધા મળશે,જેનાથી મુસાફરી અત્યંત અનુકૂળ બનશે.
સ્ટેશનની ડિઝાઇનમાં શહેરના પ્રાચીન વારસાનો પણ સમાવેશ થાય છે. બાહ્ય અને આંતરિક સ્થાપત્ય વારસાને સુંદર રીતે મિશ્રિત કરશે, જે અમદાવાદની ઐતિહાસિક ઓળખ જાળવી રાખીને આધુનિક સ્પર્શની ખાતરી કરશે.
