અંબાલાલ પટેલની આગાહીઃ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે, 96 થી 98 ટકા વરસાદની શક્યતા

કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં એકંદરે સારો વરસાદ વરસશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 14 Apr 2026 08:54 PM (IST)Updated: Tue 14 Apr 2026 08:54 PM (IST)
weather-expert-ambalal-patel-prediction-agahi-for-gujarat-monsoon-2026-normal-to-good-rainfall-this-year-728080
HIGHLIGHTS
  • 8 થી 15 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસાની પધરામણી થશે

Ambalal Patel, Gujarat Weather Forecast: અગાઉ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અને તાજેતરમાં જ હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ગુજરાતમાં ચોમાસાને લઈને પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતુ. જેમાં સ્કાયમેટ અને હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ઓછા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે ગુજરાતમાં સારા ચોમાસાની સંભાવના વ્યક્ત કરી છે.

ગુજરાતમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આગામી 12 થી 20 મેની વચ્ચે આંદામાન-નિકોબારના ટાપુ પર નૈઋત્યનું ચોમાસું બેસી જવાની શક્યતા છે. જે બાદ ચોમાસું ધીમે-ધીમે દક્ષિણ ભારતની દિશામાં આગળ વધશે. આ દરમિયાન 17 મે અને જૂનની શરૂઆતમાં બંગાળનો સાગર અને અરબ સાગર સક્રિય થશે, જેના કારણે એક મજબૂત ટ્રફ બનશે, જે સારો વરસાદ લાવવામાં સહાયભૂત થશે.

જો ગુજરાતની વાત કરીએ તો, આ વર્ષે ગુજરાતમાં 8 થી 15 જૂનની વચ્ચે ચોમાસાનું આગમન થઈ શકે છે. મૃગશિર્ષ નક્ષત્રમાં પવનની ગતિ વધારે રહેવાથી વરસાદ પડી શકે છે.

આ વર્ષે ગુજરાતમાં વરસાદની સ્થિતિ એકંદરે સારી રહેશે. રાજ્યના કોઈ-કોઈ ભાગમાં ખંડ વૃષ્ટિ થવાની શક્યતા રહેશે, પરંતુ એકંદરે ગુજરાતનું ચોમાસું 96 થી 98 ટકાની વચ્ચે રહી શકે છે. ચોમાસામાં રાજ્યના કેટલાક ભાગોમાં 92 થી 94 ટકા વરસાદ પડી શકે છે.

ચોમાસામાં સૌરાષ્ટ્ર-કચ્છના ભાગો તેમજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં સારો એવો વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

મે માસમાં એક સાયક્લોન બનવાની શક્યતા છે. તેમજ 8 થી 20 જૂન વચ્ચે પણ અરબ સાગર સક્રિય થઈ શકે છે. જો આ સાયક્લોન વહેલું બની જાય અને તેનો ભેજ ઓમાન તરફ ના ફંટાય તો ગુજરાતમાં ચોમાસું સમયસર આવી જશે.