Ahmedabad News: મિત્રતા અને કૌટુંબિક સંબંધોનો લાભ લઈને છેતરપિંડી આચરવાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. નવા નરોડા વિસ્તારમાં રહેતા અને કરન્સી મેનેજમેન્ટનું કામ કરતા ૩૭ વર્ષીય મયુરકુમાર મહેન્દ્રકુમાર જોષી સાથે ભાવનગરના એક પિતરાઈ ભાઈ-બહેનની જોડીએ રૂ. ૭,૫૦,૦૦૦ ની છેતરપિંડી કરીને વિશ્વાસઘાત કર્યો છે.
સરકારી અધિકારીની ખોટી ઓળખ
ફરિયાદી મયુરકુમારની મુલાકાત તેમના ૧૫ વર્ષ જૂના મિત્ર અને કૌટુંબિક સંબંધી કોમલબેન ત્રિવેદી અને આનંદકુમાર ત્રિવેદી સાથે ગત નવેમ્બર-૨૦૨૪માં થઈ હતી. સંપર્કમાં આવ્યા બાદ આ બંને આરોપીઓ અવારનવાર મયુરકુમારની ઓફિસે આવતા. આરોપીઓએ પોતાને સરકારી કર્મચારી, નિમણૂક અધિકારી અને સરકારમાં આગેવાન તરીકે ઓળખાવ્યા અને મનગમતા સ્થળે રૂ. ૨૫ લાખમાં સરકારી નોકરી અપાવવાનો પાકો ભરોસો આપ્યો. ડિસેમ્બર-૨૦૨૪માં રૂ. ૧૦ લાખની એડવાન્સ રકમ માંગવામાં આવી, જેના અનુસંધાને ફરિયાદીએ આંગડિયા અને બેંક ટ્રાન્સફર (ICICI થી IDBI એકાઉન્ટ) દ્વારા ટુકડે-ટુકડે કુલ રૂ. ૬,૫૦,૦૦૦ ચૂકવી આપ્યા.
બોગસ લેટર અને ચેક બાઉન્સનું કાવતરું
રકમ મેળવ્યા બાદ આરોપીઓએ ટૂંક સમયમાં એપોઇન્ટમેન્ટ લેટર આપવાનો વિશ્વાસ આપ્યો. તા. ૧૬/૦૧/૨૦૨૫ ના રોજ કોમલબેને વોટ્સએપ પર એક 'કોન્ફીડેન્સીયલ' લેટર મોકલ્યો. આ લેટર પર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બનાવટી સહી અને ગુજરાત સરકારનો સિક્કો લગાવેલો હતો, જેથી તે સાચો લાગે. આ લેટરના આધારે વધુ નાણાની માંગણી થતાં ફરિયાદીએ વધુ રૂ. ૧,૦૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા, આમ કુલ રૂ. ૭,૫૦,૦૦૦ ચૂકવાયા.
લાંબો સમય વીત્યા છતાં નોકરી ન મળતા અને લેટરની ચકાસણી કરતા, તે બોગસ અને બનાવટી હોવાનું માલૂમ પડ્યું. જ્યારે ફરિયાદીએ આરોપીઓ સાથે વાતચીત કરી, ત્યારે તેઓએ છેતરપિંડીની વાત સ્વીકારી. સમાધાનના ભાગરૂપે તેમણે રૂ. ૭,૫૦,૦૦૦ ની રકમના ચેક આપ્યા, પરંતુ તે ચેક પણ ફંડ પરત ન હોવાના શેરા સાથે બાઉન્સ થયા. ફરિયાદી મયુરકુમાર જોષીએ અંતે કોમલબેન ત્રિવેદી અને આનંદકુમાર ત્રિવેદી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ધોરણસરની ફરિયાદ નોંધાવી છે.
