Amreli News: પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝનમાં લોકો પાઇલટ્સની સતર્કતાને કારણે એક મોટી વન્યજીવ દુર્ઘટના ટળી છે. ધારી નજીક રેલવે ટ્રેક પર અચાનક આવી ચડેલા 10 એશિયાટિક સિંહોના ઝુંડને ટ્રેનની અડફેટે આવતાં બચાવી લેવામાં આવ્યા છે. લોકો પાઇલટ્સે પોતાની ફરજ દરમિયાન ભારે જાગૃતતા અને સૂઝબૂઝનો પરિચય આપીને ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને સુરક્ષિત રીતે થંભાવી દીધી હતી.
ઈમરજન્સી બ્રેક મારતા સિંહના ટોળાનો બચાવ
મળતી માહિતી મુજબ, ધારી નજીક પસાર થતી ટ્રેનના લોકો પાઇલટ્સને દૂરથી રેલવે ટ્રેક પર સિંહોનું એક મોટું ઝુંડ ઊભેલું જોવા મળ્યું હતું. આ ઝૂંડમાં સિંહ પરિવારની સાથે તેમના નાના બચ્ચાંઓ પણ સામેલ હતા. પરિસ્થિતિની ગંભીરતા પારખીને લોકો પાઇલટ્સે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક મારી હતી અને ટ્રેનને સિંહોથી સુરક્ષિત અંતરે રોકી દીધી હતી.
સિંહના ટોળાને રેલ્વે ટ્રેકથી દૂર ખસેડવામાં આવ્યો
ટ્રેન રોકાયા બાદ તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સ તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તમામ સિંહોને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર ખસેડ્યા હતા. આ સમગ્ર ઘટના રેલવે અને વન વિભાગ વચ્ચેના ઉત્તમ સમન્વયનું પરિણામ છે.
