Amreli News: અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં પાણીમાં ડૂબી જવાની બે અલગ-અલગ ઘટનાઓમાં એક બાળકી અને એક યુવકનું કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માલવિયા પીપરિયા અને કૃષ્ણગઢ ગામ પાસે બનેલી આ ઘટનાઓને પગલે સ્થાનિક ગ્રામજનો અને પરિવારજનોમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
મળતી વિગતો અનુસાર, આજ રોજ વહેલી સવારે માલવિયા પીપરિયા ગામ નજીક એક નાની બાળકી પાણીના પ્રવાહમાં ડૂબી ગઈ હોવાની જાણ થતાં જ ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. ઘટના અંગે ત્વરિત વહીવટી તંત્રને જાણ કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ સ્થળ પર દોડી આવી હતી. બચાવ ટુકડીએ પાણીમાં સઘન શોધોળ હાથ ધરીને બાળકીના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
બીજી ઘટનામાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો
રેસ્ક્યુ કામગીરી ચાલુ હતી તે દરમિયાન જ લાઠી તાલુકાના કૃષ્ણગઢ ગામ નજીક પણ પાણીમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. વહીવટી તંત્ર અને સ્થાનિક બચાવ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને યુવકના મૃતદેહને પણ પાણીમાંથી બહાર કાઢ્યો હતો.
બંને મૃતદેહોને કબજે લીધા બાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લાઠીની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. હાલમાં પોલીસ વિભાગ દ્વારા મૃતક યુવક અને બાળકીની ઓળખ છતી કરવા માટે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
એક જ દિવસમાં ડૂબી જવાથી બે-બે માસૂમ જિંદગીઓ હોમાઈ જતાં માલવિયા પીપરિયા અને કૃષ્ણગઢ સહિત આસપાસના સમગ્ર પંથકમાં અત્યારે ભારે ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે.
