Amreli News: અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની હાજરી હવે સામાન્ય બની ગઈ છે, ત્યારે ગત રાત્રે રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામમાં પાંચ સિંહોના ટોળાએ પ્રવેશ કરીને ભારે ધમાલ મચાવી હતી. શિકારની શોધમાં આવેલા આ સિંહોએ ગામની શેરીઓમાં દોડધામ મચાવી હતી અને વાછરડી સહિત બે પશુઓનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટના ગામમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.
રેઢિયાળ પશુઓ અને વાહનચાલકોમાં અફરાતફરી
રાત્રિના સમયે સિંહોનું ટોળું ગામમાં પ્રવેશી ગયું હતું, જેના કારણે શેરીઓમાં ફરતા રેઢિયાળ પશુઓ અને શ્વાનોમાં ગભરાટ ફેલાયો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિંહોનું ટોળું શેરીએ-શેરીએ ફરીને શિકારની પાછળ દોડી રહ્યું હતું, જ્યારે પશુઓ પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગી રહ્યા હતા. આ દરમિયાન સિંહોએ તરાપ મારીને બે પશુઓનો શિકાર કર્યો હતો. આ સિંહોનું ટોળું રાજુલા-સાવરકુંડલા હાઈવે સુધી પણ પહોંચી ગયું હતું. હાઈવે પર સિંહોને જોઈને વાહનચાલકો પણ ચોંકી ઊઠ્યા હતા અને સલામતી ખાતર પોતાના વાહનો થંભાવી દેવાની ફરજ પડી હતી. મોટા આગરિયા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો છે.
વન્યપ્રાણીઓ રામભરોસે? સ્ટાફની તંગી
પૂર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલ લહેરીએ જણાવ્યું હતું કે આ વિસ્તાર સિંહોનું ઘર છે અને અહીં સિંહોની વસ્તી સૌથી વધુ નોંધાઈ છે. જોકે, ભૂતકાળમાં રેલવે ટ્રેકને કારણે અનેક વન્યપ્રાણીઓના અકસ્માતો બન્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે છેલ્લા દોઢ વર્ષથી આર.એફ.ઓ. (RFO) અને ડીસીએફ (DCF)ની જગ્યાઓ ખાલી હોવાને કારણે વન્યપ્રાણીઓનું સંરક્ષણ અને દેખરેખ રામભરોસે મુકાયું છે. તેમણે ગુજરાત સરકારને તાત્કાલિક આર.એફ.ઓ. અને અન્ય જરૂરી સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવા માટે વિનંતી કરી છે, જેથી માનવ-વન્યપ્રાણી સંઘર્ષની આવી ઘટનાઓને અટકાવી શકાય.
