Amreli: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હામાપુર સીમ વિસ્તારમાં સોમવારે સાંજે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક ખુંખાર સિંહે પાંચ વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવને પગલે સમગ્ર પંથકના ખેત મજૂરો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હામાપુર ગામની સીમમાં નાનજીભાઈ સોજીત્રાની વાડી આવેલી છે. જેમાં વિનોદ ડામોર નામના ખેત મજૂર પોતાના પરિવાર સાથે રહે છે.
આજે સાંજના સમયે જ્યારે મજૂર પરિવાર ખેતીનું કામ કરી રહ્યો હતો, તે દરમિયાન અચાનક એક સિંહે મજૂરના 5 વર્ષના દીકરા કનક પર હુમલો કર્યો હતો અને તેને ગંભીર ઈજા પહોંચાડી હતી.
સિંહના હુમલામાં માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.

બીજી તરફ આ બનાવ અંગે સ્થાનિક ખેડૂતો જણાવ્યું કે, આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સિંહની અવરજવર વધી છે. ખેત મજૂરના બાળક પર સિંહના આ હુમલાની ઘટનાએ સીમ વિસ્તારમાં કામ કરતા મજૂર પરિવારોને ભારે ભયના ઓથાર હેઠળ મૂકી દીધા છે. મજૂરોનું કહેવું છે કે, હવે તેઓ પોતાના નાના બાળકોને લઈને ખેતરમાં કામ કરવા જઈ શકશે નહીં.
