UpdatedIST

Amreli News: તરસ છિપાવવા અવેડા પર સિંહોની જમાવડો; ધારીના હુડલીમાં ખેડૂતની વાડીએ એકસાથે 7 સાવજો ઉતરી આવ્યા

એકસાથે સાત સાવજોને અવેડા પર પાણી પીતા જોઈ સ્થાનિકોએ આ દૃશ્યોને પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરી લીધા હતા.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 15 Feb 2026 03:14 PM (IST)Updated: Sun 15 Feb 2026 03:14 PM (IST)
amreli-news-7-lions-spotted-on-farmers-farm-in-hudli-dhari-692374

Amreli News: ગીરની ગોદમાં આવેલા ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વનરાજોનું વિચરણ હવે સામાન્ય બન્યું છે. ત્યારે ધારીના હુડલીમાં સિંહના દૃશ્યોએ ગ્રામજનોમાં કૂતુહલ સર્જ્યુ હતું. હુડલી ગામની સીમમાં એક ખેડૂતની વાડીમાં આવેલા અવેડા પર તરસ છીપાવવા માટે સિંહોનો જમાવડો જોવા મળ્યો હતો. એક કે બે નહીં પરંતુ સાત જેટલા સિંહ વાડીમાં ઉતરી આવ્યા હતા. જેનો વીડિયો સ્થાનિકોએ ઉતારી લીધો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

ધારી ગીર પંથકમાં વનરાજો રેણાંક અને ખેતીવાડી વિસ્તારમાં ખોરાક અને પાણીની શોધમાં અવારનવાર આવી ચડતા હોય છે. હુડલી ગામ નજીક આવેલી ખેડૂતની વાડીમાં પશુઓ માટે બનાવેલા પાણીના અવેડા પર મોડી રાત્રે અથવા વહેલી સવારે સાત સિંહોનું ટોળું એકસાથે પાણી પીવા માટે પહોંચ્યું હતું. એકસાથે સાત સાવજોને અવેડા પર પાણી પીતા જોઈ સ્થાનિકોએ આ દૃશ્યોને પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરી લીધા હતા.

વાડી વિસ્તારમાં સિંહોની હાજરી હોવાની જાણ થતા જ આ અદભૂત દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિંહો ખૂબ જ શાંતિથી પાણી પી રહ્યા છે અને ત્યારબાદ વટથી પોતાની મસ્તીમાં વનરાહ ભણી ડાલામથ્થા ડગલા માંડી રહ્યા છે.

ગીરના ગામડાઓમાં સિંહોના આ પ્રકારે વધતા વિચરણને કારણે વનરાજો પ્રત્યે આદરની સાથે ખેડૂતોમાં ક્યાંક ફફડાટ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે વાડીએ પિયત કરવા જતા ખેડૂતોને સાવચેત રહેવા વન વિભાગ દ્વારા અવારનવાર સૂચના આપવામાં આવે છે. જોકે, એકસાથે 7 સિંહોના દર્શન થવા એ પ્રકૃતિ પ્રેમીઓ માટે લાહવો સમાન ગણાઈ રહ્યો છે.