Amreli: અમરેલીના રાજુલા તાલુકામાં હનીટ્રેપ કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. હિંડોરણા ગામની સીમમાં લઈ જઈ આરોપીઓએ યુવકનો મહિલા સાથે વીડિયો બનાવીને બદનામ કરવાની ધમકી આપીને લૂંટ ચલાવી હતી. જે મામલે પોલીસે મહિલા સહિત 4 આરોપીઓને ઝડપી લીધા છે.
યુવકનો મહિલા સાથે વીડિયો ઉતાર્યો
પ્રાપ્ત માહિતી મુજબ,એક મહિલા સહિત 4 શખ્સોએ થોડા દિવસો પહેલા હનીટ્રેપનું કાવતરું રચ્યું હતું. પૂર્વ યોજના મુજબ,રાજુલાના હિંડોરણા ગામની સીમમાં ફરિયાદી યુવકને લઈ જવામાં આવ્યો હતો. ત્યાં મહિલા સાથે યુવકનો વીડિયો ઉતારી લેવાયો હતો. જે બાદ અન્ય આરોપીઓ પણ ત્યાં ઘસી ગયા હતા.જેમણે યુવકને માર મારી લૂંટ ચલાવી હતી. તેમજ આરોપીઓએ ધાકધમકી આપીને યુવક પાસેથી રુ.1950 અને મોબાઈલ ફોન પડાવી લીધા હતા.
યુવકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
આરોપીઓએ વીડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપીને રુપિયા 5 લાખની માંગણી કરી હતી.જે બાદ આરોપીઓએ યુવકને પૈસા લેવા ઘરે મોકલ્યો હતો. ફરિયાદી યુવકે ડરવાને બદલે રાજુલા પોલીસ મથકે જઈને પોતાની આપવીતી વર્ણવી હતી.જ્યાં તેણે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી
રાજુલા પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તેમજ હનીટ્રેપના મામલે એક મહિલા સહિત જિતેન્દ્ર ચૌહાણ,કરણ પટાટ અને અન્ય આરોપીની ધરપકડ કરી છે. તેમજ DySP નયના ગોરડિયાએ જણાવ્યું કે, આ કેસમાં હજુ એક આરોપી ફરાર છે. જેને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
