Amreli: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભુવા ગામ નજીક બે કાર સામ-સામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 10 ઈજાગ્રસ્ત થતાં તમામને સાવરકુંડલાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, એક કાર સિહોર તરફ આવી રહી હતી. જ્યારે બીજ ગોપાલગ્રામથી જૂના સાવરમાં આયોજિત લગ્નપ્રસંગમાં જઈ રહી છે. આ દરમિયાન ભુવા ગામ નજીક બન્ને કાર ધડાકાભેર સામસામે ભટકાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બન્ને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ અકસ્માતની જાણ થતાં સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બીજી તરફ પોલીસ અને એમ્બ્યુલન્સ સહિતનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સાવરકુંડલાની સિવિલ સહિત અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન આદસંગ ગામના કુલદીપ ખુમાણનું મોત નીપજ્યું છે. જ્યારે આરાધના ચુડાસમા, શિવમ ચુડાસમા, ધનશ્રી ત્રિવેદી, ભાગ્યશ્રી ખુમાણ, કનુ જેબલિયા, જીવા જેબલિયા, રેખા ખુમાણ, ગીતા ત્રિવેદી, વૈશાલી સહિત 10 જણાને ગંભીર ઈજા પહોંચતા તેમની અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સાવરકુંડલા નગર પાલિકાના પ્રમુખ સહિત સ્થાનિક આગેવાનો તાત્કાલિક મદદ માટે હોસ્પિટલ દોડી આવ્યા હતા. હાલ તો સાવરકુંડલા રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
