Mango Prices in Amreli: અમરેલી જિલ્લો, જે તેની ગુણવત્તાયુક્ત કેસર કેરી માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, ત્યાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગઈકાલે અચાનક પલટાયેલા વાતાવરણ, તોફાની પવન અને કરા સાથેના વરસાદે બાગાયતી ખેતીના મુખ્ય ગઢ ગણાતા ધારી, સાવરકુંડલા અને ખાંભા પંથકમાં ભારે તારાજગી સર્જી છે. ખાસ કરીને ધારી તાલુકામાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
આંબા પરથી કેરીના ઢગલા જમીનદોસ્ત
ગઈકાલે સાંજે ફૂંકાયેલા જોરદાર પવનને કારણે આંબા પર લાગેલી કેસર કેરીઓ મોટા પ્રમાણમાં ખરી પડી છે. ખેતરો અને વાડીઓમાં નજર નાખતા જ કેરીના ઢગલા જોવા મળી રહ્યા છે. જે ખેડૂતો આખી સીઝન લોહી-પરસેવો એક કરીને પાક તૈયાર કરવાની આશા રાખતા હતા, તેમની મહેનત કુદરતી પ્રકોપમાં વહી ગઈ છે.
કરા સાથેનો વરસાદ
વરસાદની સાથે પડેલા કરા (બરફ) ને કારણે જે કેરીઓ આંબા પર બચી છે, તેના પર પણ કાળા ડાઘ પડી ગયા છે. ખેડૂતોના મતે, બરફના સ્પર્શથી કેરીની ગુણવત્તા બગડી જાય છે અને તે લાંબો સમય ટકી શકતી નથી, જેના કારણે તે વેચાણ લાયક રહેતી નથી.
મોડું આવરણ અને કુદરતી માર
આ વર્ષે દિવાળી પછીના વરસાદને કારણે કેરીનું આવરણ (મોર) પહેલેથી જ મોડું આવ્યું હતું. જ્યારે કલમોને પાણીની જરૂર નહોતી ત્યારે વરસાદ પડ્યો હતો. હવે જ્યારે કેરી મોટી થવાની સીઝન હતી, ત્યારે વાવાઝોડાએ બાકી બચેલી આશા પર પણ પાણી ફેરવી દીધું છે.
ખેડૂતોની વેદના
ડીટલા ગામના ખેડૂત સંજયભાઈ પાઘડાળ જણાવે છે કે, "કમોસમી પવનના કારણે નાની-મોટી તમામ કેરીઓ ઝાડ સાથે અથડાઈને ખરી ગઈ છે. હવે આંબા પર ખૂબ જ ઓછી કેરી બચી છે, અને જે છે તેમાં કરાને કારણે ડાઘ પડી ગયા છે. આ વર્ષે મોડી સીઝન હોવા છતાં અમને આશા હતી, પણ હવે બધું જ પાયમાલ થઈ ગયું છે." અન્ય એક ખેડૂત ભનુભાઈ વાઘેલા પોતાની વ્યથા ઠાલવતા કહે છે કે, "કાલે આવેલા વાવાઝોડામાં હવે કશું બાકી રહ્યું નથી. ફળો જમીન પર છે. અંદાજે ૪ લાખ રૂપિયા જેવું આર્થિક નુકસાન ગયું છે. સરકાર પાસે અમારી એક જ માંગ છે કે વહેલી તકે સહાય આપવામાં આવે."
બજારમાં કેસરના ભાવ આસમાને પહોંચવાની શક્યતા
ધારી તાલુકો અમરેલી જિલ્લાનો કેસર કેરી ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત છે. અહીં થયેલા આટલા મોટા નુકસાનની સીધી અસર આગામી દિવસોમાં માર્કેટ યાર્ડ અને ગ્રાહકોના ખિસ્સા પર જોવા મળશે. પાક જમીનદોસ્ત થવાથી બજારમાં કેસર કેરીની આવક નોંધપાત્ર રીતે ઘટશે. જેના કારણે ઉપલબ્ધિ ઓછી હોવાને કારણે ચાલુ વર્ષે કેસર કેરીના ભાવ સામાન્ય કરતા ઘણા ઊંચા રહેવાની શક્યતા વેપારીઓ અને નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
સરકાર પાસે તાત્કાલિક સર્વે અને વળતરની માંગ
આર્થિક સંકટમાં મુકાયેલા અમરેલીના બાગાયતદારો અને ઈજારેદારોએ સરકાર સમક્ષ આક્રમક માંગણી કરી છે કે મહેસૂલ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
