મારી યોજનાઃ શું તમારે ખેતીમાં ડ્રીપ ઈરીગેશન માટે બનાવવો છે પાણી સંગ્રહનો ટાંકો, સરકાર આપે છે આટલી સહાય

સામાન્ય ખેડૂતને ખર્ચના 50 ટકા મહત્તમ રૂ.50 હજારની મર્યાદામાં અને અનુ.જાતિ - જનજાતિના ખેડૂતને ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ. 75 હજારની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 17 Nov 2025 07:01 PM (IST)Updated: Mon 17 Nov 2025 07:01 PM (IST)
mari-yojana-government-subsidy-for-water-storage-tank-under-drip-irrigation-scheme-full-details-639847

Amreli News: રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે "મારી યોજના પોર્ટલ" શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી, અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાતો સહિતની જીણવટભરી વિગતો સરળતાથી મળી જાય છે. આ પોર્ટલ પર ખેડૂતોને ઉપયોગી એવી ડ્રીપ ઈરીગેશન માટે પાણી સંગ્રહના ટાંકા બનાવવા માટેની યોજનાની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે.

સરકાર દ્વારા કેટલી સહાય ચૂકવવામાં આવે છે

બાગાયત ખેતી કરતા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ડ્રીપ ઈરીગેશન માટે પાણી સંગ્રહના ટાંકા બનાવવા યુનિટ કોસ્ટ રૂ.1 લાખ પ્રતિ એકમ ધ્યાને લઈ સામાન્ય ખેડૂતને ખર્ચના 50 ટકા -મહત્તમ રૂ. 50 હજાર પ્રતિ એકમની મર્યાદામાં જ્યારે અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ.75 હજાર પ્રતિ એકમની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

અમરેલી જિલ્લામાં ખેડૂતો માટે ટપક સિંચાઈ પદ્ધતિ આશિર્વાદ સમાન છે. ભૌગોલિક વિશેષતા અને ભૂગર્ભ જળની ઉપલબ્ધતાની મર્યાદામાં ટપક સિંચાઈ પદ્ધતિ ખેડૂતોને પાણીના કરકસર ઉપયોગ સાથે જરૂરી પિયત કરવામાં મદદ કરે છે.

આ યોજના હેઠળ સિમેન્ટેડ પાકા પાણીના ટાંકા, ડ્રીપ સેટ હોવો ફરજિયાત છે. ટાંકાના ખર્ચના વ્યાજબીપણા માટે ગર્વમેન્ટ વેલ્યુઅર-તાલુકા સર્વેયર-મનરેગા યોજનાના સર્વેયરનુ ખર્ચ અંગેનુ સર્ટિફિકેટ લાભાર્થીએ આપવાનું રહેશે. ઓછામાં ઓછો 25.50 ઘનમીટર ક્ષમતા ધરાવતો ટાંકો બનાવવાનો રહેશે. ખાતાદીઠ ફક્ત એક જ વખત આઇ-ખેડૂત પોર્ટલ પર સહાયતા માટે ફોર્મ ભરી શકાશે.

આ રીતે કરી શકાશે અરજી

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી માટે જરુરી દસ્તાવેજોમાં 7-12નો દાખલો, આધારકાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, બેંકપાસબુક/રદ ચેક જોડવાના રહેશે. આ અંગની વધુ વિગતો મારી યોજના પોર્ટલ પરhttps://mariyojana.gujarat.gov.in/ લિંક પરથી મેળવી શકાશે. યોજના માટે ખેડૂતો નાયબ બાગાયત નિયામકની જિલ્લા કચેરીનો સંપર્ક પણ કરી શકશે.