Anand News: આણંદ શહેરમાં તાજેતરમાં પડેલા મુસળધાર વરસાદ બાદ એક અત્યંત હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. બોરસદ ચોકડી નજીક આવેલી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) કચેરી પાસેના ખુલ્લા વરસાદી કાંસમાં ત્રણ માસૂમ બાળકો અચાનક તણાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક લોકોની ત્વરિત કામગીરીને કારણે બે બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા, પરંતુ 11 વર્ષની માસૂમ બાળકીનું પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું.
મહત્વના દસ્તાવેજો અંગેની રજૂઆત કરવા આવતા સર્જાયો અકસ્માત
મળતી વિગતો મુજબ, બોરસદ તાલુકાના અમિયાદ ગામના એક મહિલા પોતાના ત્રણ બાળકો સાથે અગત્યના સરકારી દસ્તાવેજોની ચોરી અંગે અરજી કરવા માટે આણંદ એસ.પી. કચેરી ખાતે આવી રહ્યા હતા. આ દરમિયાન કચેરી નજીક આવેલી અને વરસાદી પાણીથી છલોછલ ભરાયેલા કાંસ પાસેથી પસાર થતી વખતે પગ લપસી જતાં ત્રણેય બાળકો પાણીના ભારે પ્રવાહમાં તણાવા લાગ્યા હતા.

લોકો અને પોલીસે બે બાળકોને ઉગારી લીધા
બાળકોને તણાતા જોઈ માતાએ બૂમાબૂમ કરી મૂકી હતી. ચીસાચીસ સાંભળી આસપાસના લોકો અને કચેરી નજીક તૈનાત પોલીસ જવાનો તુરંત દોડી આવ્યા હતા. તેમણે સમયસૂચકતા વાપરી બચાવ કામગીરી શરૂ કરી 13 વર્ષની બાળકી અને 7 વર્ષના બાળકને હેમખેમ બહાર કાઢી લીધા હતા.

કલાકોની મથામણ બાદ બાળકીનો મૃતદેહ મળ્યો
જોકે 11 વર્ષની પ્રિયા રમેશભાઈ સોલંકી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર ફાઈટરોની ટીમે સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. કલાકોની મથામણ બાદ બાળકીને બહાર કાઢી સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. આણંદ ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ચોમાસા દરમિયાન શહેરમાં ખુલ્લા કાંસ અને ગટરોને કારણે સર્જાતા આવા જોખમો સામે તંત્રની નિષ્ક્રિયતા પર સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

