Anand News: શ્રીલંકાના જનતા વિમુક્તિ પેરમુના (JVP) ના જનરલ સેક્રેટરી તિલવિન સિલ્વા અને તેમના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે આજે આણંદની મુલાકાત લીધી હતી. ભારતના સફળ સહકારી માળખા અને શ્વેત ક્રાંતિના મોડેલને સમજવાના હેતુસર, આ પ્રતિનિધિમંડળે અમૂલ ડેરી અને ત્રિભુવન સહકારી યુનિવર્સિટી (TSU) ની મુલાકાત લઈ ડેરીના સંચાલન, માર્કેટિંગ વ્યૂહરચના અને ગ્રામીણ સ્તરે થતા સામાજિક-આર્થિક પરિવર્તનો અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.
શ્રીલંકાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ અમૂલ ડેરીની મુલાકાતે
ભારતની સહકારી ચળવળ અને શ્વેત ક્રાંતિના સફળ મોડેલને સમજવાના હેતુથી શ્રીલંકાના જનતા વિમુક્તિ પેરમુના (JVP) ના જનરલ સેક્રેટરી તિલવિન સિલ્વા અને તેમની સાથે આવેલા પાંચ સભ્યોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે આજે ગુજરાતના આણંદ ખાતે આવેલી અમૂલ ડેરીની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન ડેરીના મેનેજમેન્ટ ટીમ દ્વારા પ્રતિનિધિમંડળને એક વિશેષ ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુતિ બતાવવામાં આવી હતી. આ પ્રસ્તુતિ દ્વારા ગુજરાતમાં સહકારી ચળવળના ઇતિહાસ, તેના ક્રમિક વિકાસ અને ભવિષ્યના સંભવિત વિકાસના લક્ષ્યાંકો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ દરમિયાન પ્રેઝન્ટેશનના માધ્યમથી શ્રીલંકાના પ્રતિનિધિમંડળને અમૂલના વહીવટી માળખા, માર્કેટિંગ વ્યૂહરચના અને મજબૂત સપ્લાય ચેઈન મેનેજમેન્ટ વિશે માહિતગાર કરવામા આવ્યા હતા. તેમજ અમૂલના સહકારી મોડેલ દ્વારા ગ્રામીણ સ્તરે આવતા સામાજિક પરિવર્તન અને પશુપાલકોના આર્થિક ઉત્થાનની કાર્યપદ્ધતિ અંગે વિશેષ જાણકારી આપવામાં આવી હતી.
ત્યારબાદ, જનરલ સેક્રેટરી તિલવિન સિલ્વા અને પ્રતિનિધિમંડળના અન્ય સભ્યો જેવા કે સેન્ટ્રલ કમિટી મેમ્બર જનક અધિકારી, સંસદ સભ્ય કિતનન સેલવરાજ, સંસદ સભ્ય કરુણાનાન્થન હંકુમારન અને મીડિયા યુનિટ હેડ હેમાથિલાકા ગામેગે, ઇન્ટરનેશનલ રિલેશન્સ કમિટીના સભ્ય બી.આર. કલ્પના મધુભાષિની અને કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશનના કાઉન્સેલર ડો. રામબાબુ સી. એ અમૂલના પ્લાન્ટ સાઇટની રૂબરૂ મુલાકાત લીધી હતી.
મુલાકાતના અંતે તિલવિન સિલ્વાએ વિઝિટર બુકમાં પોતાના અનુભવો પણ નોંધાવ્યા હતા. અને તેમણે અમૂલનું સહકારી મોડેલ વિશ્વ માટે એક પ્રેરણાસ્ત્રોત છે અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોના ઉત્થાન માટે આ મોડેલ અત્યંત પ્રશંસનીય હોવાનું આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.

શ્રીલંકાનું પ્રતિનિધિ મંડળ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની મુલાકાતે
શ્રીલંકાના જનતા વિમુક્તિ પેરામુના (JVP) ના જનરલ સેક્રેટરી તિલ્વિન સિલ્વાના નેતૃત્વમાં સાત સભ્યોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે આજે આણંદની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સફળ સહકારી માળખાને સમજવાનો અને તેમાંથી પ્રેરણા મેળવવાનો હતો. પ્રતિનિધિમંડળે અમૂલ ડેરી પ્લાન્ટની મુલાકાત લીધા બાદ આણંદ સ્થિત IRMA-“ત્રિભુવન” સહકારી યુનિવર્સિટી (TSU) કેમ્પસની મુલાકાત લીધી હતી.
આ મુલાકાતમાં શ્રીલંકાના પ્રતિનિધિમંડળના સાતેય સભ્યો સામેલ હતા, જેમાં JVP ના જનરલ સેક્રેટરી તિલવિન સિલ્વા અને પ્રતિનિધિમંડળના અન્ય સભ્યો જેવા કે સેન્ટ્રલ કમિટી મેમ્બર જનક અધિકારી, સંસદ સભ્ય કિતનન સેલવરાજ, સંસદ સભ્ય કરુણાનાન્થન હંકુમારન અને મીડિયા યુનિટ હેડ હેમાથિલાકા ગામેગે, ઇન્ટરનેશનલ રિલેશન્સ કમિટીના સભ્ય બી.આર. કલ્પના મધુભાષિની અને કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશનના કાઉન્સેલર ડો. રામબાબુ સી. નો સમાવેશ થાય છે.
મુલાકાત દરમિયાન, પ્રતિનિધિમંડળે IRMA ના ગૌરવશાળી વારસા અને TSU ના સહકારી શિક્ષણના વિવિધ પાસાઓ અંગે તેમજ ભારતના સહકારી ક્ષેત્રમાં આવી રહેલા મોટા ફેરફારો, નવી રજૂ કરાયેલી 'ભારત ટેક્સી' જેવી પહેલો અને આરોગ્ય ક્ષેત્રમાં થઈ રહેલી આગામી નવીનતાઓ વિશે ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરી હતી.
આ તકે યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યોએ હાથ ધરેલા વિવિધ સંશોધનો અને તાલીમ કાર્યક્રમોની માહિતી પણ રજૂ કરી હતી. પ્રતિનિધીમંડળે ઇરમાના કેમ્પસમાં શિક્ષણ અર્થે ઉભી કરાયેલ વ્યવસ્થાને વખાણી હતી. આ વેળાએ તેઓએ વિવિધ ક્લાસરૂમ, લાયબ્રેરી, ઇન્ક્યૂબેશન સેન્ટર, ઓડિટોરિયમ હૉલની મુલાકાત લીધી હતી. જેમાં લાયબ્રેરીની મુલાકાત દરમિયાન તિલ્વિન સિલ્વાએ લાયબ્રેરીની વિઝિટર બુકમાં પોતાના અનુભવો અંગે નોંધ લખી આ મુલાકાતને યાદગાર ગણાવી હતી.
યુનિવર્સિટી ખાતે IRMA ના ડિરેક્ટર અને TSU ના સ્કૂલ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટના ડીન ડૉ. સાસ્વત નારાયણ બિશ્વાસ દ્વારા પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે આણંદ શહેરના મામલતદાર, યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના પ્રાધ્યાપકશ્રીઓ અને યુનિવર્સિટીના સંચાર સંચાલક સહિત અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહ્યાં હતા.
