Anand News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશ અનુસાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાષ્ટ્રીય અગ્રણીઓ, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીના અવસરે રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 1930માં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં યોજાયેલ દાંડીયાત્રાના 6 કિ.મી. માર્ગ પર સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પદયાત્રા પસાર થશે.

કરમસદથી કેવડીયા સુધીનો એકતા સંદેશ
26મી નવેમ્બરના રોજ બંધારણ દિને આણંદના કરમસદ ખાતેથી પ્રારંભ થનાર આ રાષ્ટ્રીય એકતા પદયાત્રા કરમસદ થી કેવડીયા મુકામે અંદાજિત 150 કિલોમીટરનું અંતર કાપીને સરદાર પટેલના એકતા અને અખંડિતતાના સંદેશને જનજન સુધી પહોંચાડશે.

સરદાર પટેલનુ કાર્ય નવી પેઢી સુધી પહોચાડવાનો પ્રયાસ
આ રાષ્ટ્રીય એકતા પદયાત્રાના માધ્યમથી દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર પટેલે આપેલ યોગદાનની સાથે દેશી રજવાડાઓના વિલિનીકરણ કરીને અખંડ ભારતના નિર્માણના કાર્યને નવી પેઢી સુધી પહોંચાડવા માટેનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે.

1930માં આ પથ પરથી પસાર થઈ હતી દાંડીયાત્રા
1930માં મહાત્મા ગાંધીજીએ જે પથ ઉપર દાંડીકૂચ કરી હતી, તે માર્ગ ઉપરના 6 કિ.મી. ના માર્ગ ઉપરથી જોગાનુંજોગ આ રાષ્ટ્રીય પદયાત્રા પસાર થનાર છે. આજથી 95 વર્ષ પહેલા એટલે કે 1930ના સમયમાં તે સમયના બૃહદ ખેડા પ્રાંતથી દાંડીયાત્રા પસાર થઈ હતી. તે સમયે આ દાંડીકૂચ હાલના આણંદના બોરિયાવી, નાપા, રાસ, કંકાપુરા વગેરે વિસ્તારોમાંથી પસાર થઈ હતી.

દાંડી કૂચના ઇતિહાસને લોકો જીવંત થતો નિહાળશે
સરદાર પટેલની જન્મ જયંતિના અવસરે યોજાયેલ આ યુનિટી માર્ચ આણંદના ટાઉનહોલથી દાંડીમાર્ગ પરથી પસાર થઈને લોટીયા ભાગોળ, જીટોડીયા માર્ગ પરથી પસાર થઈને અંધારીયા ચોકડી સુધીના 6 કિલોમીટર જેટલા દાંડી માર્ગ પર પસાર થશે તે સમયે 1930 ના સમયના સમયની દાંડી કૂચના ભવ્ય ઇતિહાસને લોકો જીવંત થતો નિહાળશે.
