Anand News: આંકલાવમાં માર્ગ અકસ્માત: ટ્રેક્ટર ટ્રોલી પાછળ એક્ટિવા ઘૂસી જતા યુવકનું મોત, મિત્ર ગંભીર

અકસ્માતમાં એક યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા યુવકને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 14 Nov 2025 05:00 PM (IST)Updated: Fri 14 Nov 2025 05:00 PM (IST)
anand-news-young-man-dies-after-activa-crashes-into-trolley-in-anklav-638200

Anand News: આંકલાવ તાલુકાના હળદરી–ખડોલ રોડ પર ભયાનક માર્ગ દુર્ઘટનાએ વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ, બે યુવકો એક્ટિવા પર સવાર થઈ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તા કિનારે ઉભેલી ટ્રેક્ટરની ટ્રોલીની પાછળ એક્ટિવા જોરદાર ઝડપે ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી તીવ્ર હતી કે એક્ટિવા આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો.

અકસ્માતમાં ગંભી ઇજા પહોંચતા યુવકનું મોત

અકસ્માતમાં એક યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા યુવકને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. સારવાર હેઠળ રહેલા ઈજાગ્રસ્તની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ ત્યાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ભેગા થઈ બચાવ કામગીરીમાં સહકાર આપ્યો હતો. ઘટનાની જાણ મળતાં જ આંકલાવ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી ટ્રેક્ટર ટ્રોલી ચાલક તથા વાહન સંબંધિત વિગતો એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આંકલાવની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

ટ્રોલી રિફ્લેક્ટર વિના રાખવામાં આવી હોવાની શક્યતા

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, રોડ કિનારે ઊભેલી ટ્રોલીને પૂરતા સુરક્ષા સંકેતો કે રિફ્લેક્ટર વિના રાખવામાં આવી હોવાની શક્યતા છે. આ ઉપરાંત, એક્ટિવા ચાલકની વધુ પડતી ઝડપ પણ અકસ્માતનું કારણ બની હોઈ શકે તેમ મનાય છે. જોકે, દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાએ રાત્રી દરમિયાન માર્ગો પર ઊભેલા ભારે વાહનોના સુરક્ષિત પાર્કિંગ અને એકંદર રોડ સેફ્ટી અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક રહીશોએ અકસ્માત સંભવિત વિસ્તારોમાં ચેતવણી બોર્ડ, પૂરતી લાઇટિંગ અને નિયમિત પેટ્રોલિંગ વધારવા માટે તંત્ર સમક્ષ માંગણી કરી છે.