Central Gujarat Crime: મધ્ય ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ગુનાખોરીને લગતી ત્રણ મહત્વની ઘટનાઓ સામે આવી છે, જેમાં આણંદમાં નશાખોર કાર ચાલકે ભયાનક અકસ્માત સર્જ્યો છે, ભરૂચ હાઈવે પરથી એક ચાલકનો મૃતદેહ મળ્યો છે અને અંકલેશ્વરમાં પોલીસે રોમિયોગીરી કરતા તત્વો સામે લાલ આંખ કરી છે.
આણંદમાં દારૂના નશામાં ચૂર કાર ચાલકે યુવતીને કચડી
ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે આણંદ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રવિવારે રાત્રે આણંદના ભરચક ગણાતા સરદારબાગ પોલીસ ચોકી પાસે એક ડ્રિંક એન્ડ ડ્રાઇવની ઘટના ઘટી હતી. અહીં દારૂના નશામાં સંપૂર્ણપણે ધૂત એક બેફામ કાર ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલી નિર્દોષ યુવતીને જોરદાર ટક્કર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, યુવતીને અથડાયા બાદ પણ કાર રોકાઈ ન હતી અને આગળ ઊભેલી અન્ય એક કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
-1783921828713.jpg)
સ્થાનિક લોકોએ લોહીલુહાણ હાલતમાં યુવતીને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. અકસ્માત સર્જ્યા બાદ પકડાયેલા કાર ચાલકે જાહેરમાં જ નશામાં હોવાની કબૂલાત કરી હતી. આણંદ ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી નશાખોર ચાલકની અટકાયત કરી તેનું મેડિકલ ટેસ્ટ કરાવવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો
ભરૂચ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આજે સવારે એક ગમખ્વાર અને રહસ્યમય ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. નબીપુર હાઈવે પર લાંબા સમયથી પાર્ક કરેલા એક ટેમ્પામાંથી ટેમ્પો ચાલકનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. હાઈવે પરથી પસાર થતા લોકો અને અન્ય વાહનચાલકોનું ધ્યાન જતાં આ મામલો સામે આવ્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આ આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં તપાસ શરૂ કરી છે.

અંકલેશ્વરમાં રોમિયોગીરી કરતા તત્ત્વો સામે પોલીસ કાર્યવાહી
અંકલેશ્વર શહેરના નર્મદા નદી કિનારાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વાહનોની અવ્યવસ્થિત અવરજવર, ટ્રાફિક નિયમોનો ભંગ અને જાહેર સ્થળોએ બીભત્સ ચેનચાળાની ફરિયાદો વધી રહી હતી. સ્થાનિક નાગરિકો અને પરિવાર સાથે ફરવા આવતા લોકોની રજૂઆતોને ગંભીરતાથી લઈને અંકલેશ્વર 'બી ડિવિઝન' પોલીસ દ્વારા એક વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ ટીમે નર્મદા કિનારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારીને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો અને જાહેર શાંતિ ભંગ કરતા અસામાજિક તત્વો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરી હતી. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર સ્થળોની ગૌરવ અને સુરક્ષા જાળવવા માટે આવી કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. સ્થાનિક લોકોએ પોલીસની આ કડક કામગીરીને બિરદાવી છે.
