UpdatedIST

રેશનિંગ વ્યવસ્થામાં ડિજિટલ ક્રાંતિઃ ગુજરાતમાં CBDC આધારિત પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ, હવે રેશન કાર્ડ 'ડિજિટલ વૉલેટ' તરીકે કામ કરશે

CBDC ડિજિટલ ટોકન દ્વારા રેશનિંગ વિતરણમાં પારદર્શિતાનો નવો યુગ લાભાર્થીઓને મળતી કૂપનની તમામ વિગતો ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ રહેશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 19 Feb 2026 12:05 AM (IST)Updated: Thu 19 Feb 2026 12:05 AM (IST)
ration-card-turns-into-digital-wallet-cbdc-based-pds-pilot-starts-in-ahmedabad-anand-surat-and-valsad-694740
HIGHLIGHTS
  • મહત્વાકાંક્ષી પાયલટ પ્રોજેક્ટ માટે ગુજરાતના પસંદગીના ચાર કેન્દ્રોમાં આણંદ જિલ્લાનો કરાયો સમાવેશ
  • અંગૂઠો લગાવવાની ઝંઝટમાંથી મુક્તિ, સ્માર્ટફોન યુઝર્સ રેશનિંગની દુકાને માત્ર QR કોડ સ્કેન કરીને ચૂકવણી કરી શકશે

Anand: ભારતીય અર્થતંત્રમાં ડિજિટલ ક્રાંતિના એક નવા અધ્યાય તરીકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રેરિત CBDC (Central Bank Digital Currency) આધારિત પાયલટ પ્રોજેક્ટ હવે જાહેર વિતરણ પ્રણાલી (PDS) ને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યો છે. આ નવીન વ્યવસ્થાને કારણે હવે રેશન કાર્ડ માત્ર એક દસ્તાવેજ નહીં, પરંતુ એક 'ડિજિટલ વૉલેટ' તરીકે કાર્ય કરશે, જે સબસીડી વિતરણમાં પારદર્શિતાનો નવો યુગ લાવશે.

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ડાયરેકટ બેનિફીટ ટ્રાન્સફર (DBT) ને વધુ સક્ષમ અને સુરક્ષિત બનાવવા એટલે કે સબસીડી વિતરણમાં પારદર્શિતા અને સુરક્ષાની સુનિશ્ચિતતાનો છે. આ વ્યવસ્થા હેઠળ, સબસીડીની રકમ રોકડને બદલે 'ડિજિટલ ટોકન' સ્વરૂપે લાભાર્થીના પંજાબ નેશનલ બેંક સાથે જોડાયેલા ડિજિટલ વૉલેટમાં સીધી જમા કરવામાં આવે છે. આનાથી સરકારી સહાય સીધી જ સાચા લાભાર્થી સુધી પહોંચશે અને વચેટિયાઓની ભૂમિકા સંપૂર્ણપણે નાબૂદ થશે.

સામાન્ય નાગરિકો પણ આ આધુનિક ટેકનોલોજીનો સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્માર્ટફોન યુઝર્સ રેશનિંગની દુકાને માત્ર QR કોડ સ્કેન કરીને ચૂકવણી કરી શકશે. સામાન્ય મોબાઈલ યુઝર્સ કે જે નાગરિકો પાસે સ્માર્ટફોન નથી તેઓ તેમના રજિસ્ટર્ડ મોબાઈલ પર આવતા 16 અંકના વિશિષ્ટ કોડ દ્વારા ટોકન રિડીમ કરી શકશે. લાભાર્થીઓને મળતી કૂપનની તમામ વિગતો ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ રહેશે, જેથી તેઓ જાણી શકે કે કઈ વસ્તુ કેટલી માત્રામાં મળવાપાત્ર છે.

આ પ્રોજેક્ટ હેઠળ લાભાર્થીઓ માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે, હવે રેશન મેળવવા માટે વારંવાર અંગૂઠો લગાવવાની કે બાયોમેટ્રિક નિષ્ફળ જવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ સિસ્ટમ eKYC આધારિત હોવાથી પ્રક્રિયા ઝડપી અને ભૂલરહિત બનશે. અનાજની ગુણવત્તા અને જથ્થાની રિયલ-ટાઇમ વિગતો ગ્રાહકને SMS દ્વારા તુરંત પ્રાપ્ત થશે.

આ સિસ્ટમ માત્ર ગ્રાહકો માટે જ નહીં, પણ દુકાનદારો અને સરકાર માટે પણ આશીર્વાદરૂપ છે. દુકાનદારો મર્ચન્ટ એપ્લિકેશનના ડેશબોર્ડ પર તમામ ટ્રાન્ઝેક્શન રિયલ-ટાઇમમાં જોઈ શકશે, જેનાથી તેઓને રજીસ્ટર નિભાવવાની ઝંઝટ ઘટશે. તેમજ સરકારને આના થકી કયા વિસ્તારમાં કેટલું અનાજ વિતરણ થયું તેની સચોટ માહિતી તરત મળી રહેશે. સબસીડી જે તે વસ્તુના વપરાશ માટે જ વપરાય તેની ખાતરી પણ કરી શકાશે.

ગુજરાતનામાં આ મહત્વાકાંક્ષી પાયલટ પ્રોજેક્ટ હાલમાં પસંદગીના ચાર કેન્દ્રોમાં શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ (સાબરમતી ઝોન), સુરત, આણંદ અને વલસાડનો સમાવેશ કરાયો છે. આ વિસ્તારોના સફળ પરીક્ષણ બાદ આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં આ મોડેલ લાગુ કરવાની યોજના છે.

માત્ર રેશનિંગ જ નહીં, પરંતુ ભવિષ્યમાં આ CBDC ટોકન સિસ્ટમ શિક્ષણ, આરોગ્ય અને અન્ય કલ્યાણકારી યોજનાઓમાં પણ ક્રાંતિકારી ફેરફારો લાવી શકે છે. ડિજિટલ કરન્સીના ઉપયોગથી ભ્રષ્ટાચાર થઇ શકશે નહિ અને સરકારી તંત્રમાં વધુ ચોકસાઈ આવશે.