Petlad News: ગુજરાત સરકાર દ્વારા ચરોતર પંથકના વિકાસને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેટલાદ, સોજિત્રા અને નડિયાદ વિધાનસભા મતવિસ્તારમાં માળખાગત સુવિધાઓને વધુ સુદ્રઢ કરવાના હેતુથી ₹61.31 કરોડના માતબર ખર્ચે માર્ગ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે.
1.7 મીટરથી વધીને 10 મીટર પહોળો થશે રસ્તો
આ પ્રોજેક્ટ હેઠળ ડભોઉ અને મલાતજથી ચાંગા સુધીના હયાત માર્ગની પહોળાઈ 7 મીટરથી વધારીને 10 મીટર કરવામાં આવશે. જ્યારે ચાંગાથી વડતાલ સુધીના રસ્તાને ફોર-લેન (ચાર માર્ગીય) બનાવવાની મહત્વકાંક્ષી યોજનાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી ત્રણેય વિધાનસભા વિસ્તારોના પરિવહન ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થશે અને સ્થાનિક પ્રજાની લાંબા સમયની માંગણી સંતોષાશે.
કયા-કયા માર્ગો ચાર માર્ગીય બનશે?
- વિકાસ કાર્ય અંતર્ગત ચાંગા, સંજાયા અને બામરોલીથી વડતાલ સુધીનો મુખ્ય માર્ગ.
- ચાંગા અને વલેટવા થઈને વડતાલ સુધીનો માર્ગ.
- આ રસ્તાઓ ફોર-લેન બનવાથી સ્થાનિક કક્ષાએ વાહનવ્યવહાર વધુ ઝડપી, સુગમ અને સુરક્ષિત બનશે.
ચરોતરના વિકાસમાં સાબિત થશે 'માઈલસ્ટોન'
મંત્રી કમલેશભાઈ પટેલે આ મંજૂરીને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું હતું કે- આ રસ્તાઓના નિર્માણથી વડતાલ જેવા પ્રખ્યાત ધાર્મિક ધામ અને ચાંગા જેવા મુખ્ય શૈક્ષણિક કેન્દ્ર સુધીની અવરજવર અત્યંત સરળ બનશે, જે સમગ્ર ચરોતર પંથકના વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે. માર્ગ કનેક્ટિવિટી વધવાથી સ્થાનિક રોજગાર અને વેપાર-ધંધાને પણ મોટો વેગ મળશે.
રાજ્ય સરકારનો આભાર
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યમાં વિકાસકામો થઈ રહ્યા છે. મંત્રી કમલેશભાઈ પટેલે આ કરોડો રૂપિયાની વિકાસલક્ષી મંજૂરી આપવા બદલ ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
